Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમરેલી જીલ્લામાં ૫૩ સ્થળોએ દરોડા દારૂ-આથા સાથે ૩૩ શખ્સો ઝડપાયા

અમરેલી, તા. ૨૭ :. પોલીસવડા શ્રી નિર્લિપ્ત રાયની સૂચના મુજબ અમરેલી જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા પોલીસ દ્વારા જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ડ્રિંકસ એન્ડ ડ્રાઈવ દરમ્યાન ૩૨ શખ્સોને પોલીસે નશો કરેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જીલ્લામાં જુદા જુદા ૫૩ સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી ૩ શખ્સોને દેશી દારૂ ૧૩૬ લી., આથો ૧૦૧૮ લી. મળી રૂ. ૫૦૭૨નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જીલ્લામાં જુદા જુદા સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી જેમાં બાબરાના નિલવડામાં વોશ ૨૫ લી, દેશી દારૂ ૮ લી. અને ભઠ્ઠીના સાધનો મળી સંતોષ મનસુખ વાઘેલાને રૂ. ૨૦૯૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. બાબરાના કરીયાણા રોડ ઉપર ૨ લી. દેશી દારૂ, આથો ૨૫ લી. મળી રૂ. ૩૨૦નો મુદામાલ કબ્જે કરેલ. સાવરકુંડલાના હાથસણી રોડે મહિલાના કબ્જામાંથી ૨ લી. દેશી દારૂ રૂ. ૫૦નો કબ્જે કર્યો હતો. લાઠીમાં મહિલાના કબ્જામાંથી વોશ ૨૫ લી, દેશી દારૂ ૪ લી રૂ. ૨૯૮નો મુદામાલ કબ્જે કર્યો હતો. જાફરાબાદ વાપળીયાપરામાં મહિલાના કબ્જામાંથી ૩ લી. દેશી દારૂ, આથો ૪ લી મળી રૂ. ૧૬૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજુલાના બાબરીયાધારમાં હિંમત બાબુના કબ્જામાંથી ૭ લી. દેશીદારૂ, આથો ૭૨૦ લી. અને ભટ્ટીના સાધનો મળી રૂ. ૧૯૨૬નો મુદામાલ કબ્જે કર્યો હતો.

બાબરા યાર્ડમાં જુગાર

બાબરા માર્કેટયાર્ડ દુકાન નં. ૯૩ રામ વલ્લભ શિયાળ રહે. લીંબડીયા તા. ગઢડાવાળાની ગણેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા ભરત ભાદા મકવાણા, હસમુખ ભૂપત બાવળીયા, વિશાલ બુધા ખેર, અમીત ઘનશ્યામ પંચોળીયાને પો. કોન્સ. પ્રકાશભાઈ ગરૈયાએ રોકડ રૂ. ૮૨,૮૦૦ તથા ત્રણ મોબાઈલ રૂ. ૧૦,૫૦૦ મળી કુલ રૂ. ૯૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે રેડ દરમ્યાન દુકાન માલિક રામ વલ્લભ શિયાળ હાજર મળી આવેલ નહી જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

નિલવડામાં ધમકી આપી

બાબરા તાલુકાના નિલવડા ગામે રહેતા રામભાઈ નાથાભાઈ ગાભડીયા (ઉ.વ. ૫૦) ખેતી તેમજ વેલ્ડીંગ કામ કરતા હોય જેમને તે જ ગામના ગભરૂ ભાયા ધાધલ, અમકુ ભાયા ધાધલ, બાવકુ ભાયા ધાધલે જણાવેલ કે તારે દુકાન ચલાવવાની નથી તેવુ જણાવી રામભાઈ પોતાના ઘરે જતા હતા ત્યારે પાછળ જઈ પત્નિ તથા બે પુત્રોને ગાળો બોલી જો દુકાન ખોલી છે તો મારી નાખવાની ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

બાઈકની ચોરી

રાજુલા તાલુકાના હિંડોરણા રાધીકા હોટલ પાસેથી બાઈક નં. જીજે ૧૪એસ ૬૦૧૬ રૂ. ૪૦ હજારની કિંમતનું કોઈ ચોરી કરી ગયાની અર્જુનભાઈ અશોકભાઈ રૂદાણીએ રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

લાકડી મારી

બાબરા તાલુકાના શિરવાણીયા ગામે રહેતી મંજુબેન છગનભાઈ રાઠોડ (ઉ.વ. ૫૦)ને જૂના મનદુઃખના કારણે કિશોર ઘોહા જતાપરા, અલ્પેશ અશોક જતાપરાએ લાકડી વડે માર મારી માથામાં ઈજા કરી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:18 pm IST)