Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જુનાગઢમાં મનપા દ્વારા બાકી વેરાની વસુલાત માટે કડક ઝુંબેશ : સ્થળ પર રૂ. ર.પ૦ લાખની વસુલાત

પાંચ મિલ્કતોને સીલ, હવે સરકારી ઓફીસ સામે કાર્યવાહી

જુનાગઢ, તા., ૨૭: જુનાગઢમાં મનપા દ્વારા બાકી વેરાની વસુલાત માટે કડક ઝુંબેશ હાથ ધરીને સ્થળ પર રૂ. ર.પ૦ લાખની વસુલાત કરવા ઉપરાંત પાંચ મિલ્કતોએ સીલ લગાવી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જુનાગઢ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત વેરા છે. પરંતુ કેટલાક મિલ્કત ધારકો સમયસર વેરા ભરપાઇ કરતા ન હોવાથી વેરા વસુલાત માટે કમિશ્નર તુષાર સુમેરા અને મેયર ધીરુભાઇ ગોહેલની સુચનાથી  પ્રફુલભાઇ કનેરીયા અને તેમની ટીમ દ્વારા મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

શ્રી કનેરીયાએ જણાવેલ કે અનેક વખત નોટીસ પાઠવવા છતા પણ વેરો નહી ભરતા આસામીઓની મિલ્કતને સીલ લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે દોલતપરાની ઓમ પ્લાસ્ટીક લેધર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂ.૧,૪૬,૭૧૦ બેલીમ મહમદખા હાજીઅલી પાસે રૂ. ૧,૩૪,૬૪૬ ગુપ્તા રતનબેન મધુસુદન પાસે રૂ. ૧,૧૮,૭૧૭ તેમજ અશોક ચંદુલાલ શીંગાળાની બે મિલ્કતના રૂ. ૭,૦પ,૯૪૧ અને ૪,૭૬,રર૪નો ટેકસ બાકી હોય આ પાંચેય મિલ્કતને સીલ લગાવી દેવાયું હતું.

તેમજ આ કામગીરી બાદ અન્ય બાકીદારોએ સીલની કામગીરીથી બચવા  માટે સ્થળ પર જ ટેકસના નાણા ભરપાઇ કરી આપતા કુલ રૂ. ૧ર.પ૦ લાખના વેરાની  સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી.

શ્રી કનેરીયાએ જણાવેલ કે હવે જે સરકારી ઓફીસોનો વેરા બાકી છે. તેની સામે કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવશે.

(1:09 pm IST)