Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જુનાગઢ પોલીસ દ્વારા હોળી અંગે મહોલ્લાઓમાં મિટીંગ

જુનાગઢ, તા. ર૭ : તાજેતરમાં હોળી ધૂળેટીનો તહેવાર હોઈ, ગૃહ વિભાગ દ્વારા હોળીના તહેવાર નિમિત્તે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવા તથા ધાર્મિક કાર્ય કરવા મંજૂરી આપેલ છે, પરંતુ ધૂળેટીનો તહેવાર જાહેરમાં નહીં ઉજવવા તેમજ લોકો એકત્રિત થાય એના ઉપર મનાઈ ફરમાવવામાં આવેલ હોઈ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ કે.જે.પટેલ, હે.કો.રજાકભાઈ, પૃથ્વીરાજસિંહ, શશિકાન્તભાઈ, સહિતની ટીમ દ્વારા જૂનાગઢ શહેરમા સરદારબાગ પાસે, ગોવર્ધન પાર્ક સોસાયટી વિસ્તારમાં મહોલ્લા મિટિંગ કરી, વિસ્તારના લોકોને કોરોના વાયરસનું સંક્રમણ ના થાય એ હેતુથી હોળી ધુળેટીના તહેવારોમાં તકેદારી રાખવા, જાહેરનામાના અમલ કરવા તેમજ ધૂળેટીનો તહેવાર જાહેરમાં કે કોઈ જગ્યાએ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થઈને ઉજવણી ના કરે તે માટે મહોલ્લાના લોકોને જાણ કરવામાં આવેલ છે.

ઉપરાંત, આવી કોઈ ઉજવણી ધ્યાને આવે તો કાયદેસર કાર્યવાહી કરી, જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધી, ધૂળેટીની જાહેરમાં ઉજવણી કરતા લોકોની ધરપકડ કરવા પણ લોકોને ખાસ માહિતી આપવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા હોળી ધુળેટીના તહેવાર સંબંધે આગોતરું આયોજન કરી, મહોલ્લા મિટિંગના નવતર પ્રયોગ દ્વારા લોકોને સાવચેત કરવા, જાગૃતિ લાવવા તથા તકેદારી રાખવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

આ મિટિંગમાં સોસાયટીના આગેવાનો શ્રી નરેન્દ્રભાઇ ભૂત, કીર્તિભાઈ ઝાટકીયા, સમીરભાઈ જોશી, પ્રવીણભાઈ પોપટ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ૫૦ જેટલા સોસાયટીના લોકો હાજર રહ્યા હતા અને પોલીસની સુચનાઓ સાથે સહમત થયા હતા અને કોરોના વાયરસના સમયમાં જાહેરનામાનું પાલન કરવા તથા કરાવવા ખાત્રી પણ આપેલ હતી.

(1:07 pm IST)