Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં ૩૨ હજારની ચોરીમાં સિકયુરિટી ગાર્ડ સહિત ત્રણ શંકાના દાયરામાં

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૭: સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ઘ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગઇકાલે દાન પેટીમાંથી ૩૨ હજારની રોકડ રકમની ચોરીની ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્રણ વ્યકિત શંકાના દાયરામાં હોઇ તેની કડક પૂછપરછ ચાલુ છે.

કળિયુગમાં તસ્કરો ભગવાનને પણ છોડતા નથી તેના દાખલારૂપ ઘટના અંગે ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર અને જસદણના નાયબ મામલતદાર ભગીરથભાઈ હિંમતભાઈ કાછડીયાએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગુરૂવારે વહેલી સવારે દ્યેલા સોમનાથ મંદિરમાં માનદ સેવા આપતા મનુભાઈ શિલુંએ તેમને મોબાઈલ કરીને જાણ કરી હતી કે મંદિરના ગર્ભગૃહમાં રાખેલી દાનપેટી ગાયબ છે. પોલીસ તપાસ દરમિયાન ચોરી કરવામાં આવેલી દાનપેટી મંદિરના જ પરિસરમાં આવેલા ભોજનાલયની પાછળના ભાગમાં તાળું તૂટેલી હાલતમાં પડી હતી આ દાનપેટીમાંથી અંદાજે ૩૨ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી

આ દ્યટના અંગે પોલીસને જાણ કરતા જસદણ પોલીસનો સ્ટાફ મંદિર ખાતે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કવોડ અને એફએસએલ ની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.

જસદણ પોલીસના પીએસઆઇ જે.એસ. સિસોદિયા સહિતના સ્ટાફે ડોગ બોલાવી એફ.એસ.એલ સહિતની બાબતોને આધારે તપાસ હાથ ધરી છે. દરમિયાન સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મંદિરના સિકયુરિટી ગાર્ડ સહિત ત્રણ વ્યકિત શંકાના દાયરામાં હોઇ તેની આગવી ઢબે પોલીસ દ્વારા કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ચોરી પ્રકરણ અંગે દ્યેલા સોમનાથ મંદિરના સભ્ય સચિવ અને જસદણ મામલતદાર પી. ડી. વાંદાએ જણાવ્યું હતું કે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસ ચાલુ છે.

(11:58 am IST)