Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

એન્ટી લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં જસદણ ભાજપના નગરસેવક અને તેના ભાઇના રિમાન્ડની તજવીજ

વૃદ્ધ કનકરાય વ્યાસના પ્લોટસ ગભરૂ ધાંધલ અને અશોક ધાંધલે કબ્જો જમાવીને ધમકી આપી' તી

રાજકોટ, તા. ર૭ :  જસદણમાં બ્રાહ્મણ વૃધ્ધનો પ્લોટ પચાવી પાડી કબ્જો જમાવી ધમકી આપનાર ભાજપના નગરસેવક અને તેના ભાઇ સામે એન્ટીલેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસે નગરસેવક અને તેનાભાઇને સકંજામાં લઇ તેના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ ગીતાનગર અંબિકા નિવાસમાં રહેતા કનકરાય અમૃતલાલ વ્યાસ (ઉ.વ.૭૩) એ અશોક ઉનડભાઇ ધાંધલ તથા તેનાભાઇ ભાજપના નગરસેવક ગભરૂભાઇ ઉનડભાઇ ધાંધલ રહે. બન્ને ગોપીલાલ રોડ મણીનગર લાતી પ્લોટ જસદણ તથા તપાસમાં નામ ખુલે તેની સામે જસદણ પોલીસ મથકમાં એન્ટીલેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા સાહેદના કાયદેસરના માલીકીના જસદણ શહેરના સીટી સર્વે નં. ૧૪૧ ની જમીન ૩૬૬.ર૮ ચો.મી. પ્લોટ ઉકત બન્ને શખ્સોએ ફરીયાદી તથા સાહેદોને પ્રવેશ કરવા નહિ દઇ પતરાની આડશો તથા કેબીન મુકી બળજબરીથી ગેરકાયદે રીતે પ્લોટ પચાવી પાડી ફરીયાદો તથા સાહેબને પોતાની માલીકીની જમીન ઉપર જતા રોકી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અગાઉ પણ ઉકત બન્ને શખ્સોએ ફરીયાદી તથા સાહેદના પરિવારને આ પ્લોટમાંથી નીકળી જવાની ધમકી આપતા જે તે સમયે જસદણ પોલીસ મથકમાં ઉકત બન્ને સામે ફરીયાદ કરાઇ હતી અને તાજેતરમાં લેન્ડગ્રેબીંગનો કાયદો આવતા ફરીયાદીના પુત્ર જીતેન્દ્રએ કલેકટર સમક્ષ અરજી કરી છે. અને તપાસના અંતે ગુન્હો દાખલ કરવા હુકમ થતા જસદણ પોલીસે ઉકત બન્ને સામે આઇ.પી.સી. કલમ ૪૪૭, પ૦૪, પ૦૬, ૧૧૪ તથા ગુજરાત સરકારશ્રીના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ની કલમ ૪(૩) તથા પ (ગ) (ય) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. જસદણ પોલીસે ભાજપના નગરસેવક ગભરૂ ધાંધલ તથા તેના ભાઇ અશોક ધાંધલને સકંજામાં લઇ આજે તેમને કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાશે.

(11:54 am IST)