Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઉના નગરપાલિકાનું ૨૧ લાખની પુરાંતવાળુ બજેટ મંજુરઃ એસી ટાઉન હોલ સહિત વિકાસ કામોની પ્રજાને ભેટ

ઉના નગરપાલિકાની બજેટ અંગેની બેઠક મળી તે તસ્વીર (તસ્વીરઃ નીરવ ગઢિયા-ઉના)

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૭ :. નગરપાલિકાની સામાન્ય સભા મળેલ હતી. જેમાં આગામી નાણાકીય વર્ષ સને ૨૦૨૧-૨૨નું ૨૧ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર થયેલ હતું.

નગરપાલિકાના સૌથી નાની વયના પ્રમુખ શ્રીમતિ જલ્પાબેન જેન્તીલાલ બાંભણીયાના અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં બજેટની સાથે ઉના શહેરના નગરજનોને આગામી સમયમાં અનેક વિકાસ કામોની ભેટ આપતા ઠરાવ પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને શહેરના દેલવાડા રોડ ઉપર ઓપન એર થિયેટરની બાજુમાં અદ્યતન કોમ્યુનીટી હોલ (ટાઉન હોલ) આગામી ટૂંક સમયમાં તૈયાર થનાર હોય, તેનુ પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. ૫૦૦ સીટની બેઠક વ્યવસ્થા સાથે સંપૂર્ણ એરકન્ડીશન એવા આ ટાઉનહોલ કે જે સૌરાષ્ટ્રના નગરપાલિકા શાસિત શહેરોમાં પ્રથમ ઉના શહેરમાં બનેલ છે.

દેલવાડા રોડ ઉપર ટાઉનહોલની બાજુમાં જ અદ્યતન સુવિધામય એવા સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાના કામને મંજુરી અર્થે લગત વિભાગોમાં મોકલવામાં આવેલ હોય, મંજુરી મળ્યેથી આ કામની શરૂઆત પણ ટૂંક સમયમાં હાથ ધરી સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પૂર્ણ કરી નગરજનોની સુવિધા અર્થે ઉપલબ્ધ થનાર છે.

શહેરના હિરાતળાવથી મચ્છુન્દ્રી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર શહેરી વિસ્તારમાં જરૂર જણાય ત્યાં નવી સ્ટ્રીટલાઈટોના કામો તેમજ સીસી રોડ, બ્લોક પેવીંગ તેમજ ઉના શહેરમાં આવેલ નગરપાલિકાની માલિકીની જમીનો ફરતે કમ્પાઉન્ડ વોરના કામો કે જે હાલ પ્રગતિમાં છે. તેને પણ પૂર્ણ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ છે.

શહેરના જૂના ગામતળ વિસ્તારમાં પાણીની નવી લાઈન, ડ્રેનેજ, રસ્તા તથા સ્ટ્રીટલાઈટના કામો નવેસરથી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ગુજરાત સરકારશ્રીની જલ સે નલ યોજના હેઠળ નગરપાલિકા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પ્રતિદિન નિયમીત રીતે મળી રહે તે માટેના ડીપીઆર મંજુરી અર્થે મોકલવામાં આવેલ છે. આ કામો પણ વર્ષ ૨૦૨૧-૨૨માં પૂર્ણ કરવાની જોગવાઈ કરી છે.

સને ૨૦૨૧-૨૨ના વર્ષની કુલ આવક રૂ. ૩૦,૬૪,૯૫,૦૦૦ થશે. જેની સામે રૂ. ૩૦,૪૩,૯૫,૦૦૦નો ખર્ચ થશે. રૂ. ૨૧,૦૦,૦૦૦ની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

(11:46 am IST)