Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મુન્દ્રાના એ ત્રણેય ભાગેડુ પોલીસ હેડ કોન્સ્ટેબલો ભાવનગરની મેરિટોન હોટલમાંથી ઝડપાયા પહેલા ગોવા, મુંબઇ, હૈદરાબાદ, સેલવાસમાં છુપાયા'તા

બે ગઢવી યુવાનોના કસ્ટોડીયલ ડેથના આરોપીઓ હે.કો. શકિતસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા, અશોક કનાડ મુન્દ્રા કોર્ટમાં રજૂ : ભાગેડુ હતા ત્યારે કોણે મદદ કરી ? રહેવા માટે રૂપિયા કયાંથી મેળવ્યા ? જેવા અનેક સવાલો વચ્ચે ગેરકાયદે કસ્ટડીમાં ગોંધવા માટે, ચોરી કેસ કે જમીન કેસ ? સહિતના મુદ્દાઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : સમગ્ર કચ્છ સહિત રાજયભરમાં ચકચાર સર્જનાર મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નાસતા ફરતા ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોને આજે મુન્દ્રા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ સાથે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઇકાલે ભાવનગરની મેરિટોન હોટલમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ ભાવનગર પોલીસની મદદથી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર ભાગેડુ હે.કો. શકિતસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ (રહે. ભાવનગર), જયદેવસિંહ અજીતસિંહ ઝાલા (મૂળ, સુરેન્દ્રનગર), અશોક લીલાધર કનાડ (મૂળ, માંડવી) ને સવા બે મહિના પછી ઝડપી પાડયા હતા.

સમાઘોઘા ગામના ત્રણ ગઢવી યુવાનોને ગેરકાયદેસર એક અઠવાડિયું કસ્ટડીમાં ગોંધી રાખ્યા દરમ્યાન તેમના ઉપર દમન ગુજારવામાં આવતાં બે યુવાનોનાં મોત નીપજયા હતા. આ બનાવમાં મુખ્ય તહોમતદાર તરીકે ગત તા/૨૦/૧ ના આ ત્રણેય હે.કો. ના નામ ખુલ્યા બાદ તેમની વિરૂદ્ઘ ગુનો નોંધી તેમને મદદગારી કરનાર અન્ય ૭ સહિત કુલ ૧૦ જણા સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં હવે તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે ભુજમાં મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભાગેડુ રહેલા આ ત્રણેય પોલીસ કર્મીઓ મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને સેલવાસમાં છુપાયા હતા. કસ્ટડીમાં મોત બાદ મૃત્યુ પામનારા ગઢવી યુવાનો સામે ચોરીનો ગુનો હોવાનું પૂછપરછમાં કહી રહ્યા છે. જોકે, એસપી સૌરભસિઘે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આ કેસમાં જમીનના મુદ્દાઓ સહિત તમામ તપાસ કરાશે. ઉપરાંત આરોપીઓને આશરો આપનારા અને તેમને પૈસાની મદદ કરનાર સહિતની તપાસ થશે.

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગઢવી ચારણ સમાજ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યકત કરી દોષિતો સામે કડક કાર્યવાહી અને સજા આપવા સતત માંગ કરાઈ રહી છે. અખિલ કચ્છ ચારણ સમાજે આ કિસ્સામાં જમીન વિવાદ કારણભૂત હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. આ બનવા અંગે સમગ્ર મુન્દ્રાએ બંધ પાળી વિરોધ વ્યકત કર્યો હતો. કચ્છના વિવિધ સમાજો, સંસ્થાઓ એ પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

(11:41 am IST)