Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ધોરાજીમાં કોરોનાનો ફરી વિસ્ફોટ- ૭૩ કેસઃ ભાવનગર-૪૦, મોરબીમાં ૧૯ દર્દી

રાજકોટ, તા.૨૭: કોરોનાએ ફરી માથુ ઉંચકયુ છે. ત્યારે ધોરાજીમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ૭૩ કેસ નોંધાયા છે તો ભાવનગર જીલ્લામાં ૪૦ અને મોરબી જીલ્લામાં ૧૯ દર્દી નોંધાવા પામ્યા છે.

ધોરાજીઃ સમગ્ર રાજકોટ જિલ્લામાં ગયા વખતે ધોરાજીમાં કરોના પોઝિટિવ દર્દી માં સૌથી મોખરે હતું અને ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ સરકારમાં લડાઈ કર્યા બાદ સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું તેમજ બે ખાનગી હોસ્પિટલ પણ કોવિડ સારવાર હેઠળ સરકારે મંજૂરી આપી હતી બાદ ધોરાજીમાં હળવું થઈ જતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

પરંતુ ફરી કોરોના એ સમગ્ર ગુજરાતમાં વિસ્ફોટ કરતા સરકારે પણ તાત્કાલીક અસરથી પગલા લેવા બાબતે ખાસ બેઠક બોલાવી હતી અને દરેક જિલ્લા કલેકટરને પણ આ બાબતે સજાગ રહેવા તાકીદ કર્યા હતા અને ધીમે ધીમે કરોના પોઝિટિવ દર્દીઓ વધવા લાગતા ધોરાજીમાં પણ સમગ્ર રાજકોટ જિલ્લા કરતા સૌથી વધારે ૭૩ શહેર અને તાલુકામાં નોંધાયા છે જેની ગંભીરતાને લઇ ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ તાત્કાલિક અસરથી કોરોનાને નિયંત્રણ લાવવા માટે ધોરાજી ઉપલેટા જામકંડોરણા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિકારીની સંયુકત મીટીંગ બોલાવવામાં આવી હતી.

બેઠકમાં ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીએ જણાવેલ કે ધોરાજી ઉપલેટા જામકંડોરણા વિસ્તારમાં કોરોનાનો સંક્રમણ વધુ વધે નહીં તે માટે તાત્કાલીક અસરથી પગલા લેવા જરૂરી છે તેમજ આ બાબતે પોલીસે પણ કડક હાથે પેટ્રોલિંગની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ તેમજ જાહેરનામાનો ભંગ તેમજ માસ્ક નહીં પહેરનાર લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી.

આ સાથે લોકોની જનજાગૃતિ માટે માઇક ફેરવવાની સૂચના પણ આપી હતી તેમજ તારીખ ૧ એપ્રિલથી સરકારની સૂચના અનુસાર ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને વેકિસન આપવાની કાર્યવાહી પણ તાત્કાલિક અસરથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને પ્રચાર થાય તે બાબતને પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

મોટાભાગના હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલ ૩૫ બેડ ની તાત્કાલિક અસરથી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઓકિસજન સુધીની સુવિધા રાખવામાં આવી છે અને હાલમાં પાંચ જેટલા દર્દીઓને ઓકિસજનની તકલીફ હતી તેઓને દાખલ કરવામાં આવ્યા છે.

ધોરાજી શહેર અને તાલુકામાં કોરોના નો વધુ વ્યાપ વધે નહીં તે માટે જનજાગૃતિ માટે તેમજ લોકોએ પણ હાલમાં કોરોના નું સંક્રમણ વધુ પ્રમાણમાં વધે નહીં તે બાબતે સાવચેતીના પગલા લેવા જરૂરી છે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું તેમજ જાહેર માં નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરવું તે બાબતે ખાસ ભાર મૂકયો હતો

આ બાબતે ધોરાજીના પોલીસ ઈન્સપેકટર હુકુમતસિંહ જાડેજાએ જણાવેલ કે ધોરાજીમા કોરોના નો વ્યાપ વધે નહીં તે માટે જનજાગૃતિ અને ડેપ્યુટી કલેકટરની સુચના અનુસાર શહેરમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે અને માસ્ક નહીં પહેરનાર ની સામે ૧૦૦૦ રૂપિયા દંડ છે તેમજ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજી પોલીસ દરરોજ અલગ-અલગ વિસ્તારમાં જઈ અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરનાર તેમજ માસ્ક નહિ પહેરનાર ની સામે કડક હાથે કાર્યવાહી કરશે.

ભાવનગર

ભાવનગરમાં કોરોનાનાં વધુ ૪૦ કેસ નોંધાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. કોરોનાનાં કેસનો કુલ આંક ૬૭૦૦ને પાર થયો છે જો એકટિવ પેશન્ટની સંખ્યા વધીને ૨૮૫ થઇ છે.

ભાવનગરમાં કોરોના સંક્રમણનો કહેર વધતો જાય છે. વધુ ૪૦ કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં ૨૩ પુરૂષો ૯ સ્ત્રી સહિત અલગ અલગ વિસ્તારમાં કુલ ૩૨ કેસો નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં પાલીતાણા, ગારીયાધાર, ઉમરાળા, બુધેલ અને સિહોરમાં ૮ કેસો મળી કુલ જીલ્લામાં ૪૦ કેસો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ૧૯ દર્દીઓ કોરોનામુકત થતાં તેને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભાવનગર જીલ્લામાં નવા ૪૦ કેસથી જીલ્લાનો કુલ કોરોના આંક વધીને ૬૭૧૩ એ પહોંચી ગયો છે. અત્યાર સુધી ૬૩૫૨ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મોરબીમાં જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી સંક્રમિત

મોરબીઃ જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહયો છે ત્યારે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે.

રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેઓ હાલ હોમ આઈસોલેશનમાં છે તો તેમના સંપર્કમાં આવેલ લોકો કોરોના રીપોર્ટ કરાવે તેમજ તકેદારી રાખે તેવી અપીલ પણ કરી હતી.

મોરબીઃ જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે તાલુકામાં ૧૩ સહીત જીલ્લામાં કુલ ૧૯ કેસ નોંધાયા છે જયારે ૦૫ દર્દીઓ સ્વસ્થ થયા છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૩ કેસ જેમાં ૦૬ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદ, ટંકારા અને માળિયાના ૦૧-૦૧ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૯ કેસો નોંધાયા છે જયારે ૦૫ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૫૨૫ થયો છે જેમાં ૧૧૩ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૩૧૯૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(12:00 pm IST)