Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પોલીસ વડા દ્વારા ખાસ તપાસ

દેવભૂમિ જિલ્લામાં વિદેશથી આવતા વહાણો બોટ કવોરેન્ટાઈનને કારણે અન્ય સ્થળે ઉતરે છે !!!

ખંભાળીયા, તા. ૨૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશથી આવતા વહાણોને બોટ કવોરેન્ટાઈન કરીને સલાયા તથા અન્ય સ્થળે દરીયાથી પાંચ-દસ કિ.મી. દૂર મુકી દેવાયા છે તથા ત્યાં ૧૪ દિવસ સુધી તેમને રાખીને પછી ચેકીંગ કરીને અંદર આવવા દેવાનું આયોજન કરેલુ છે જેથી બહારથી આવનારા વહાણવાળાને સતત ૧૪ દિવસ દરીયામાં ગામથી દૂર રહેવુ પડે તેવી સ્થિતિ થતા કેટલાક વહાણ ચાલકો, હર્ષદ ગાંધવી, આસોટા, સલાયા, વાડીનાર પંથકના નાના બંદર, ટાપુ ઉપર ઉતરી જવાની તજવીજ કરતા હોવાનું તથા કયાંક ઉતરી ગયાનું પણ બહાર આવતા દેવભૂમિ દ્વારકા જિ. પો. વડાશ્રી રોહન આનંદ દ્વારા ચેકીંગ ગોઠવવામાં આવ્યુ છે.

વિદેશીઓ વહાણમાં અંદર આવી જાય તો દરેક નાગરિકોને તેમના વિસ્તારમાં ઘર આસપાસ કોઈ વિદેશથી આવે તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ દ્વારા આરોગ્યને લગતી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

૨૮૪ લોકો ઘરમાં જ

તા. ૨૬-૩-૨૦ની સ્થિતિએ વિદેશથી આવેલા દેવભૂમિ જિલ્લાના લોકોની સંખ્યા ૪૦૩ થઈ છે તથા હોમ કવોરન્ટાઈન લોકોની સંખ્યા ૨૮૪ થઈ છે તથા કુહાડિયા પાસે સ્પેશ્યલ કોરન્ટાઈનમાં બે દર્દીને રાખવામાં આવ્યા છે. ચૌદ દિવસથી જેમને નિરીક્ષણમાં રખાયા હતા. તેમનો સમય પુરો થતા ઘેર મોકલી દેવાયા હતા તેવા વ્યકિતઓની સંખ્યા ૧૯ની થઈ છે.

સલાયામાં બોટ કોરન્ટાઈનમાં ૮૨ થયા

સલાયામાં વિદેશથી કાર્ગો વહાણમાં ચાર વહાણમા આવતા ૫૪ લોકોને દરીયાથી દૂર બોટમાં રખાયા છે તથા તેમના માટે ત્યાં જ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે વધુ ત્રણ વહાણો આવતા ૮૪ સંખ્યાએ પહોંચી છે જે તમામને સલાયાથી દૂર ચૌદ દિવસ માટે રખાયા છે.

(1:10 pm IST)