Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સૌરાષ્ટ્રમાં આવતી કાલ બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે :હવામાન વિભાગની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે

અમદાવાદ : ગુજરાતમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે બીજીતરફ  વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે,ગતરાત્રે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજકોટના અમુક વિસ્તારોમા તેમજ મહેસાણા,અંબાજી અને નડીયાદમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા.હજુ કાલે બપોર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થાય તેવી સંભાવના છે. ગઈકાલે રાજકોટ ઉપરાંત મોરબી, ટંકારા, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ભયાવાદર સહિતના શહેરોમાં બપોર બાદ માહોલ બદલાયો હતો અને ઠંડા પવનની સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના વાતાવરણમાં છેલ્લા ૨ દિવસથી પલટો જોવા મળ્યો છે જો કે આજે સવારથી તડકો રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં કાલ બપોર સુધી માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન બાજુ હતું અને હવે તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વર્તાઈ રહી છે.કોરોના વાયરસની દહેશત વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત કચ્છમાં પણ કાલ બપોર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(12:46 pm IST)