Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સુરત - અમદાવાદમાં ફસાયેલા સૌરાષ્ટ્રના ૫૦૦ જેટલા પરિવારો મોટરસાયકલ મારફતે ધોરાજી તેમજ અન્ય ગામોમાં વતન પહોંચ્યા

ધોરાજી તા. ૨૭ :  ગુજરાતમાં તમામ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે જેના અનુસંધાને સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ સુરત અને અમદાવાદ વડોદરા વગેરે મહાનગરોમાં કામ ધંધા આરતી પરિવાર સાથે ગયા છે તેવા તમામ સૌરાષ્ટ્રના લોકો હાલમાં ફસાઈ ગયા છે તેમના વતન આવી શકતા નથી ત્યારે ગઇકાલે રાત્રીના સુરતમાંથી ૫૦૦થી વધુ પરિવારો તેમના વતન આવવા માટે ઝંખી રહ્યા હતા આવા સમયે કોઇ વાહનની વ્યવસ્થા ન થતા તેમજ બસનો તેમજ ટ્રેનવ્યવહાર પણ સંપૂર્ણ બંધ હોય ખાનગી વાહનો વાળા કોઈ ભાડા થી પણ આવતા ન હોય આવા સમયે સૌરાષ્ટ્રમાં વતન કઈ રીતે આવું એક મોટો સવાલ ઊભો થયો હતો ત્યારે સુરતમાં ૫૦૦ જેટલા પરિવારો દંપતીઓ નાના બાળકો લઈને મોટરસાયકલ મારફત આવવાનું પસંદ કર્યું અને ધોરાજી ખાતે મોટર સાયકલમાં દંપતીઓ આવતા ધોરાજી પોલીસે જેતપુર રોડ સરદાર ચોક ખાતે મોટરસાયકલ રોકીને પૂછપરછ કરતાં તેઓ સુરત અને અમદાવાદ થી આવતા હોવાનું જણાવ્યું હતું. આ સમયે ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીના માર્ગદર્શન હેઠળ દેવશીભાઇ બોરીચા કનકસિંહ વિગેરે સ્ટાફ એ કરી તેઓના નામ નોંધણી રેકોર્ડ ઉપર કરી એને ચા પાણી તેમજ નાસ્તો કરાવી માનવતા દર્શાવી હતી તેમજ પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે તપાસવામાં આવ્યા હતા.

મોટર સાયકલમાં આવેલા દંપતીઓ એ પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે અમો સુરતમાં ફસાઈ ગયા હતા તેમજ અમદાવાદમાં પણ કોઈપણ જાતના વાહન નહીં મળતા એમાં ફસાઇ ગયા હતા આટલા દિવસ સુધી અમારે ત્યાં કેવી રીતે રહેવું તે મોટો સવાલ ઊભો થયો હતો તેમજ અમારા પરિવારના લોકો ધોરાજીમાં જૂનાગઢમાં માણાવદરમાં વગેરે વિસ્તારોમાં રહેતા હોય જેથી વતન આવી જાય તો પરિવારને પણ અમારી ચિંતા ના થાય જેના અનુસંધાને અમો મોટરસાયકલ મારફતે સુરત તેમજ અમદાવાદથી નીકળ્યા હતા અમે નાના બાળકો સાથે અહીં પહોંચ્યા છીએ કોઈ પણ જાતની રસ્તામાં તકલીફ ઊભી થઈ નથી તમામ જગ્યાએ પોલીસે અમોને સહકાર આપ્યો છે અને એ વતન સુધી આરામથી પહોંચી ગયા છીએ જેથી અમો ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ.

આ પ્રકારે હજુ અનેક પરિવારો અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા ફસાઈ ગયા છે કોઈને કોઈ રસ્તો કાઢીને ત્યાંથી આવવા માટેનું વિચારે છે પરંતુ વાહનો નહીં મળતાં તેઓ ત્યાં જ રોકાઈ ગયા છે કે એમની પાસે મોટરસાયકલ નથી તેઓ આવ્યા નથી તેવું પણ જાણવા મળ્યું છે અને આ બાબતે જો સરકાર તાત્કાલિક ગુજરાતમાં ફસાયેલા પરિવારો તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા વિસ્તારોમાં છે તો તેમની પણ વતન જવા માટેની વ્યવસ્થા કરી આપે તેવી પણ માગણી ઉઠી છે.

(11:53 am IST)