Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જુનાગઢમાં જાહેરનામાના ભંગ સબબ વધુ પાંચ મહિલા સહિત ૩૯ શખ્સો સામે ગુનો નોંધાયો

બે વેપારી પણ પોલીસની ઝપટે ચડી ગયા

જુનાગઢ તા. ર૭: જુનાગઢમાં જાહેરનામાના ભંગ સબબ વધુ પાંચ મહિલા સહિત ૩૯ શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

કોરોના વાયરસને અટકાવવા માટે અને લોકડાઉનને લઇ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધી દ્વારા કલમ ૧૪૪ લાગુ કરી લોકોને ઘરની બહાર ન નીકળવા અને ચાર વ્યકિતને એકઠા ન થવા જાહેરનામું જારી કરવામાં આવેલ છે.

આ જાહેરનામાનાં અમલ માટે કાર્યવાહી કરવા ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને એસપી સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જુનાગઢમાં એ, બી અને સી ડીવીઝન પોલીસે ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે.

આ ઝુંબેશ દરમ્યાન જુનાગઢ શહેરમાંથી જાહેરનામાનાં ભંગ સબબ પાંચ માનુની સહિત ૩૮ શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવેલ.

જેમાં એ ડીવીઝન હેઠળનાં વિસ્તારોમાંથી સૌથી વધુ ૩ર ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવેલ. જેમાં પાંચ મહિલાનો પણ સમાવેશ થાય છે.

જયારે બી ડીવીઝન વિસ્તારનાં ૪ અને સી ડીવીઝન નીચેનાં વિસ્તારનાં ત્રણ શખ્સો મળી સમગ્ર શહેરમાંથી કુલ ૩૯ શખ્સો સામેમ કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં કરિયાણાનાં બે વેપારી પણ ટાઇમીંગ ન જાળવતા ઝપટે ચડી ગયા હતા.

(11:55 am IST)