Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મોરબીના મદદનીશ સરકારી વકીલ એક માસનો : શિક્ષકો એક દિવસનો પગાર આપશે

કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં

 મોરબી,તા.૨૭: કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે તો આ મહામારી સામે લડવા સરકારને પણ અખૂટ સાધનોની જરૂરીયાત હોય જેથી નાગરિકો પોતાનું યોગદાન આપી રહ્યા છે જેમાં મોરબીના બે સરકારી વકીલોએ પોતાનો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે.

મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ બે મદદનીશ સરકારી વકીલો ધર્મેન્દ્રભાઈ આદ્રોજા અને સંજયભાઈ દવેએ પોતાનો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે કોરોના મહામારી સામે લડત ચલાવતી સરકારને સહયોગ આપવાના હેતુથી મોરબી જીલ્લાના સરકારી વકીલોએ પોતાનો એક માસનો પગાર અર્પણ કર્યો છે અને આ મહામારીની સ્થિતિમાં દેશના નાગરિકો સરકાર સાથે છે તેવું નૈતિક બળ પણ પૂરું પાડ્યું છે.

શિક્ષકોનું પ્રેરણાદાયી કાર્ય

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ દ્વારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જણાવ્યું છે કે કોરોના મહામારીને પગલે સરકાર યોગ્ય કદમો ઉઠાવી રહી છે અને આ મહામારીના સમયમાં સરકાર એકલી નથી તેની સાથે દરેક શિક્ષકો પણ ખડેપગે સાથ સહકાર આપવા તૈયાર છે જેથી મોરબી જીલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોનો માર્ચ પેઈડ ઇન એપ્રિલ પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

(11:39 am IST)