Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જેતપુરમાં 'ટિકીટ નહી તો ભાજપ નહીં' ના બેનરો લાગ્યા

પોરબંદરની સીટ માટે ભાજપ દ્વારા રમેશ ધડુકનું નામ ઉછળતા ભાજપમાં ભડકો : જો હાઇકમાન્ડ નહીં વિચારે તો પોરબંદરની સીટ ભાજપે ગુમાવવી પડશે

રાજકોટ, તા. ર૭ : લોકસભાની ચૂંટણી માટે ભાજપે ર૬ સીટોમાંથી ૧૬ બેઠક માટેના ઉમેદવારો તાત્કાલીક આસાનીથી જાહેર કરી દીધા બાકીની ૧૦ બેઠકો માટે ભાજપને માથાનો દુખાવો બની ગયો છે. જેમાં જુનાગઢ પોરબંદર, સુરેન્દ્રનગરના ઉમેદવાર માટે ભાજપને ઘણા પાસા વિચારવા પડે તેમ છે સાથે સાથે ટિકીટ માટે બેનરો તેમજ જાહેર વિરોધ ઉઠયો છે.

જેમાં પોરબંદરની સીટ માટે ગત વખતે વિઠ્ઠલભાઇ રાદડીયા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી જતા ર લાખ કરતા પણ વધુ મતની સરસાઇથી જીત્યા હતા. હાલ તેઓની તબિયત નાદુરસ્ત હોય નવા ઉમેદવાર નક્કી કરવા હાઇ કમાન્ડને લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે.

આ બેઠક માટે સર્વપ્રથમ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેન રાદડીયાના નામની વિચારણા ચાલતી હતી, પરંતુ તેમણે ના કહેતા બીજા સમીકરણો રચાયા. શહેરમાંથી ટિકીટ માટે પૂર્વમંત્રી જશુમતીબેન કોરાટનું નામ પણ ઇચ્છા દર્શાવી હોય એ ઉપરાંત મનસુખભાઇ ખાચરીયા, લલીતભાઇ રાદડીયાના નામ પણ ગુંજતા થયા હતા, પરંતુ અહીંની સીટની જવાબદારી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના શીરે હોય તેનું નામ પણ વિચારણામાં આવેલ તેમણે ઇચ્છા ન દર્શાવતા પોરબંદરની સીટ માટેનું નામ જાહેર કરવું થોડુ અઘરૂ બન્યું હતું.

પોરબંદરની સીટ પર ભાજપ કયો ચહેરો બહાર લાવશે તે અંગે લોકોમાં ભારે ઉતેજના હતી તેમાં ગત રાત્રીના ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ રમેશ ઘડુકનું નામ કદાચ ફાઇનલ કરવામાં આવે તેવું જાહેર થતા શહેર ભાજપમાં ભડકો થયો છે. રાદડીયા જુથ દ્વારા સોશ્યલ મીડીયા ટવીટર પર રાતથી જ વિરોધનો વંટોળ ઉપડયો છે. મોડીરાતે શહેરના મુખ્ય વિસ્તારોમાં બેનરો લગાવી ટિકીટ માટે વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો છે. બેનરમાં ભાજપની પોરબંદર લોકસભા સીટની ભુલ પોરબંદર, રાજકોટ, જુનાગઢ, જામનગર સુરત (સૌરાષ્ટ્રભરમાં) લઇ ડુબશે જયાં રાદડીયા સરકારનો કરંટ આવશે અંતમાં ચીમકી લખી સ્પષ્ટ ભાજપને ધમકી આપી હોય તેવું લાગે છે.

જો ટિકીટ નહિ આપે તો શું જયેશભાઇ ભાજપને રામ રામ કરશે ?

શહેરનું રાજકારણ ખૂબજ ઉંડુ છે તેવા લોકોમાં ચર્ચાય રહ્યું છે કે જો ભાજપ નવો ચહેરો મૂકે તો વિરોધના કારણે સીટ ગુમાવવી પણ પડે. ભાજપે જે ચહેરો મૂકવાની વાત વાયરલ થઇ છે તે ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક એકદમ કોરી પાટી અને ધાર્મિક સ્વભાવના છે તેનું નામ નક્કી કરવામાં આવે તો પક્ષ લેવલે કદાચ જીતી પણ જાય, પરંતુ ખરેખર તો ટિકીટના હકદાર જશુમતીબેન કોરાટ છે કેમ કે ધારાસભ્યમાંથી તેમને ચૂંટણી લડવાની ના કહ્યા બાદ તેઓએ નિષ્ઠાથી પાર્ટીનું કામ કરે છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તેનો દબદબો છે. ભાજપની પોરબંદરની સીટ માટેની ખરેખરી કસોટી છે હવે જોવાનું એ રહ્યું કે રાદડીયા જુથ સામે હાઇકમાન્ડ ઝૂકશે કે તેને અવગણી કોઇ નવો ચહેરો લાવશે.

(3:36 pm IST)