Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભગવાનભાઈ બારડને ગેરલાયક ઠેરવવાના હુકમને યોગ્ય ગણાવતી હાઈકોર્ટઃ ૨૩મી એપ્રિલે તાલાળા બેઠકની ચૂંટણી યોજાશે

રાજકોટ, તા. ૨૭ :. ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ખનીજ ચોરી પ્રકરણમાં કોર્ટ દ્વારા સજા કરવામાં આવતા વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા તેઓને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે આ પ્રકરણમાં ભગવાનભાઈ બારડે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે ભગવાનભાઈ બારડને ગેરલાયક ઠેરવવાના હુકમને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે.

જેના કારણે હવે તાલાળા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી તા. ૨૩મી એપ્રિલે યોજાશે. હાઈકોર્ટે જણાવ્યુ છે કે, સ્પીકર અને ચૂંટણી પંચનું પગલુ કાયદાની મર્યાદામાં રહીને ભરવામાં આવ્યુ છે. જેથી સજા પરનો સ્ટે પણ યથાવત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાલાળા પેટાચૂંટણી પર રોક લગાવવાની અરજી પર સુનાવણી પૂર્ણ કરવામાં આવ્યા બાદ આજે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.

આ અગાઉ સરકારી વકીલે દલીલ કરી હતી કે, વિધાનસભાના સ્પીકરે નિયમ મુજબ કાર્યવાહી કરી છે અને કોઈ ઉતાવળ કરી નથી. ભગવાનભાઈ બારડને દોષીત ઠેરવવા અંગે કોઈ સ્ટે નથી તેથી પેટાચૂંટણી પર પણ સ્ટે મુકવો ન જોઈએ. જ્યારે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં રજૂઆતમાં જણાવ્યુ હતુ કે તાલાળાની ચૂંટણી ૧૦ માર્ચે જાહેર કરાઈ ન હતી. આ દિવસે ફકત લોકસભાની ચૂંટણીઓ જ જાહેર કરાઈ હતી. ચૂંટણી પંચ સ્પીકરની એપલેટ ઓથોરીટી નથી અને સ્પીકરના નિર્ણયનું રીવ્યુ કરવાનું કામ પણ ચૂંટણી પંચનું નથી.

ચૂંટણી પંચે વધુમાં જણાવ્યુ હતુ કે, વિધાનસભાના સ્પીકર એકવાર પોતાનો નિર્ણય જાહેર કરે અને કોઈ બેઠક ખાલી હોય તો તેમા ચૂંટણી પંચ સમીક્ષા ન કરી શકે. તાલાળા બેઠક પર ચૂંટણી જાહેર કરવાનો નિર્ણય ૧૦ માર્ચ પહેલા લેવાયો હતો.

 

 

(1:40 pm IST)