Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ટંકારામાં પાક વીમામાં અન્યાય મામલે ઢોલ નગારા સાથે ખેડૂતોની મહારેલી

ટંકારા તા. ૨૭ : અછતગ્રસ્ત ટંકારા તાલુકાને ગતવર્ષના મગફળી અને પાક વિમામાં સરકારએ અન્યાય કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી પાક વીમા યોગ્ય ન્યાય મળે તે માટે સરકાર સામે લડત ચલાવવા ટંકારા સરપચ એસો.મેદાને પડ્યું છે અને ટંકારા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને સાથે રાખી પાક વીમા પ્રશ્ને ખેડૂતોએ ઢોલ નગારા સાથે મહારેલી કાઢી હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

ટંકારા તાલુકા સરપંચ એસો તથા સહકારી સંસ્થાઓના નેજા હેઠળ નીકળેલી ખેડૂત મહારેલી ખેડુતોએ પાક વિમામાં સરકારે કરેલા અન્યાયને વખોડી કાઢી સખત વિરોધ નોંધાવ્યો હતો બાદમાં સરપંચ એસો.ના નેજા હેઠળ ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગતવર્ષે ટંકારા તાલુકામાં નહિવત જેવો વરસાદ પડતાં ખેડૂતોનો પાક નિષફળ ગયા બાદ સરકારે આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો હતો.

જોકે ખેડૂતોનો મોટાભાગનો પાક નિષફળ જતા ટંકારા તાલુકો ૧૦૦ ટકા પાક વીમો મળવા માટે હક્કદાર બન્યો હતો પરંતુ સરકારે ટંકારા તાલુકાને મગફળીનો ૩૦ ટકા અને કપાસનો ૮ ટકા જેવો ઓછો પાક વીમો જાહેર કરીને ખેડૂતોને દાઝયા પર ડામ દીધો છે.જોકે ક્રોપ કટીંગના આકડા જોઈએ તો ટંકારા તાલુકાને ૭૫ ટકા જેવો પાક વીમો મળવો જોઈએ. પરંતુ આછો પાક વીમો જાહેર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(12:00 pm IST)