Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

૧૩ વર્ષની બાળાને ૪૦ વર્ષના પટેલ શખ્સ પ્રફુલે હવસનો શિકાર બનાવી

૧૦ દિવસ પહેલાની ઘટનાઃ બાળા વાડીએથી ચણીયાબોર વીણવા ગઇ ત્યારે પટેલ શખ્સ અપહરણ કરી પોતાની વાડીએ લઇ ગયોઃ બીજા દિવસે બાળા શીશક રોડ પરથી મળી'તીઃ જે તે વખતે પોલીસે ફરિયાદ નોંધાવાઇ નહોતીઃ મદદગારી કરનાર પણ પકડાયોં

ભોગ બનેલી બાળા સારવાર હેઠળ છે, તેના પિતાએ વિગતો જણાવી હતી

રાજકોટ તા. ૨૭: ગોંડલ પંથકના ગામની ૧૩ વર્ષની દલિત બાળા ૧૦ દિવસ પહેલા બપોર બાદ પોતાની વાડીએથી નજીકમાં ઢાળ ઉપર ચણીયા બોર વીણવા ગઇ ત્યારે શ્રીનાથગઢ ગામના ૪૦ વર્ષના પટેલ શખ્સે તેનું બાઇક પર અપહરણ કરી પોતાની વાડીએ લઇ જઇ રાતભર ગોંધી રાખી બે વખત બળાત્કાર ગુજારતાં અને બીજા દિવસે સાંજે સુરાપુરાના મંદિર નજીકથી અસ્તવ્યસ્ત હાલતમાં મળતાં માતા-પિતાની પુછતાછમાં પોતાના પર દૂષ્કર્મ આચરાયાનું કહ્યું હતું. પોલીસ આરોપીને જે તે વખતે શોધીને લાવી હતી. પણ ત્યારે કોઇપણ કારણોસર ફરિયાદ નોંધાવાઇ નહોતી. હવે ગઇકાલે બાળાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી આવતાં અને દૂષ્કર્મની નોંધ કરાવવામાં આવતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પટેલ શખ્સ અને તેને મદદગારી કરનાર શખ્સને સકંજામાં લઇ લેવાયાનું જાણવા મળ્યું છે.

ઘટનાની વિગતો આપતાં ભોગ બનનાર બાળા કે જે ધોરણ-૮માં અભ્યાસ કરે છે તેના પિતાએ જણાવ્યું હતું કે તા. ૧૭/૩ના રોજ હું અને મારા પત્નિ વાડીએ હતાં. શનિવાર હોવાથી દિકરી પણ શાળાએથી બપોરે વહેલી છુટીને આવી ગઇ હતી. જમ્યા બાદ તે વાડી નજીકના ઢાળ પર ચણીયા બોર વીણવા જવાનું કહીને ગઇ હતી. પરંતુ મોડે સુધી પાછી ન આવતાં અમે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કયાંય પત્તો મળ્યો નહોતો. મોડી રાત સુધી અમે શોધખોળ ચાલુ રાખી હતી. બીજા દિવસે સાંજે છએક વાગ્યા બાદ અમે ગામના શીશક રોડ પર તપાસ કરવા ગયા ત્યારે સુરાપુરાના મંદિર પાસેથી  અમારી દિકરી મળી હતી. તેના કપડા પણ બદલાવેલા હતાં અને તે એકદમ હેબતાઇ ગયેલી હાલતમાં હતાં. અમે તેને ઘરે લઇ ગયા હતાં અને તેની મમ્મીએ ફોસલાવીને પુછતાં તેણીએ પોતાના પર પ્રફુલ મગનભાઇ ખાખરીયા નામના પટેલ શખ્સે બે વાર દૂષ્કર્મ આચર્યાનું કહ્યું હતું.

દિકરીએ અમને જણાવ્યું હતું કે તે બોર વીણતી હતી ત્યારે પ્રફુલ મોટરસાઇકલ લઇને આવ્યો હતો અને લલચાવીને તેમાં બેસાડી તેની વાડીએ લઇ ગયો હતો. બાદમાં રાત્રીના બે વખત ખરાબ કામ કર્યુ હતું. એ પછી પ્રફુલે બંનેના કપડા વાડીની કુંડીમાં ધોઇ નાંખ્યા હતાં અને પોતાને બીજા કપડા પહેરાવી દીધા હતાં. આ કપડા અને નાસ્તો બીજો એક શખ્સ પ્રફુલની વાડીએ લઇ આવ્યો હતો. એ પછી બીજા દિવસે બપોર બાદ પોતાને શીશક રોડ પર મંદિર પાસે ઉતારીને પ્રફુલ જતો રહ્યો હતો.

દિકરીની ઉપરોકત કેફીયત બાદ અમે તેને સાથે લઇ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ૧૮/૩ના રોજ ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ જેે તે વખતે ફરિયાદ નોંધાઇ નહોતી. એ પછી અમે સગા સંબંધીઓની મદદ લઇ ગાંધીનગર મુખ્યમંત્રીને, સામાજીક ન્યાય સમિતી મંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી, રાજકોટ એસપી, કલેકટરશ્રી, સમાજ કલ્યાણ ખાતા સહિતમાં અમારી કથની લેખિત સ્વરૂપે મોકલી હતી. ગઇકાલે અમારી દિકરીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરતાં હવે અમારી ફરિયાદ દાખલ કરાવાઇ છે.

ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ. વી. જાડેજા અને  સ્ટાફે રાજકોટ આવી અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી પ્રફુલ પટેલ તથા તેને ગુનામાં મદદગારી કરનાર ભીખા તુલસીભાઇ રાણપરીયાને સુરતથી સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(3:55 pm IST)