Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મોહનભાઇએ ભાજપના ઉમેદવારને હરાવવા મદદ કરી'તીઃ જીતુભાઇ સોમાણી

વાંકાનેરમાં ભાજપનાં લોકસભાના ઉમેદવાર સામે રોષ ભભૂકયોઃ સંમેલનમાં શહેર-તાલુકામાંથી હજારો સમર્થકો ઉમટયા

વાંકાનેર તા.૨૭: રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહનલાલ કુંડારીયા સામે વાંકાનેર ભા.જ.પ.ના ઘણા લોકોમાં નારાજગી જોવા મળે છે. અને આ રિપીટ થીયરીને પગલે વાંકાનેર ભા.જ.પ.માં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

લોકસભાની ટિકીટો આપવાને મામલે સુરેન્દ્રનગર-જૂનાગઢ જિલ્લામાં ભા.જ.પ. સામે ઘરનાં જ સભ્યોમાં અને અગ્રણીઓમાં લોકરોષની જવાળા પ્રગટી છે અને તે પ્રિન્ટ તથા ઇલેકટ્રીક ન્યૂઝના માધ્યમથી ગુજરાતની પ્રજા વાકેફ થઇ રહી છે.

રાજકોટ લોકસભાના ભા.જ.પ.ના ઉમેદવાર સામે પણ કયાંક છાને ખુણે તો કયાંક જાહેરમાં ભા.જ.પ.ના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહયો છે. જેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર બારસોથી વધુ મતે પરાજય થયેલા ભા.જ.પ.ના સક્ષમ નેતા અને વાંકાનેર પાલિકામાં સતત પાંચ ટર્મથી  સારૂ નેતૃત્વ પુરૂ પાડનાર અને ગુજરાત ભરના રઘુવંશી સમાજમાં મોટુ નામ ધરાવતા જીતુભાઇ સોમાી અને તેના સમર્થકોએ મોહનભાઇ કુંડારીયા સામે ખુલ્લો લોકરોષ રજુ કરવા વાંકાનેરમાં ગઇકાલે બોલાવેલ સંમેલનમાં વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારના ઘણાબધા અગ્રણીઓ-કાર્યકરો હજજરોની સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. મંચસ્થ અગ્રણીઓએ ''સ્નેહમિલન'' શબ્દ સાથે આ સંમેલનને દર્શાવેલ પણ હકીકતે આ સંમેલન રાજકોટ લોકસભાના ભા.જ.પ.ના ઉમેદવારનો વિરોધ માટેનું જ હોવાનો અણસાર સામે આવ્યો હતો.

જુદી-જુદી જ્ઞાતિના અગ્રણીઓ અને ભા.જ.પ. સાથે સંકળાયેલા અગ્રણીઓ મંચ પર બીરાજમાન હતા અને તેઓએ જીતુભાઇ સોમાણીની સેવા અને પ્રજા માટે કરેલા કામોને બીરદાવેલ અને અડધી રાતે જો સમર્થકો કે ગ્રામ્ય પ્રજાને જરૂર પડે ત્યારે કહે તે કામ માટે સાથે ઉભા રહેનાર આ નેતાને સમર્થન આપવા અને જીતુભાઇ સોમાણી અન્ય પક્ષમાં કે પોતે અપક્ષ ઉમેદવારી કરશે તો પણ અમે સૌ તેની સાથે જ રહેવાની જાહેરાત સાથે ખાત્રીઓ ઉચ્ચારી હતી.

જીતુભાઇ સોમાણીએ પોતાના પ્રવચનમાં આ સંમેલનનનો આખો અણસાર આપતા જણાવેલ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતે ભા.જ.પ. પક્ષના ઉમેદવાર હતા અને મને ચૂંટણી જીતાડવાની ખાત્રી આપનાર આ મોહનભાઇ કુંડારીયાએ પક્ષનાં જ ઉમેદવારને હરાવવા માટે અન્ય અપક્ષ ઉમેદવારને મદદ કરી ભા.જ.પ.ની જીત માટે નિશ્ચિત સમી આ બેઠક ઉપર અમોને હરાવવા માટે જે નિમિત પણનું કામ પણ આ લોકસભાના વર્તમાન ઉમેદવારે કહયુ હોવાનો આક્ષેપ જાહેરમાં કર્યા હતો. અને આ વાતથી વાંકાનેર-કુવાડવા વિસ્તારના ભાજપના કાર્યકરો અને મતદારો પણ સારી રીતે જાણતા હોવાનું જણાવેલ.

આજના આ સંમેલન બાદ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ - સરપંચો - હોદેદારો સાથેની મીટીંગ રાખવાની અને તેમાં સૌના મંતવ્યો જાણી આગામી દિવસો માં અન્ય પક્ષને ટેકો આપવો કે આપણે ઉમેદવારી કરી વિજય હાંસલ કરવો તે માટેની ચર્ચા-વિચારણા કરવામાં આવશે તેમ જીતુભાઇ સોમાણીએ અંતમાં જણાવેલ. ઉપસ્થિત હજજારો સમર્થકોએ પણ જીતુભાઇ સોમાણી જે નિર્ણય કરે તેમાં અમારો તન-મન-ધનથી સાથ સહકાર આપવાની હાથ ઉંચા કરી ખાત્રી આપી હતી.

આ સંમેલનમાં નગરપાલીકાના પ્રમુખ તેમજ જીતુભાઇના સમર્થક સદસ્યો - તાલુકા પંચાયતના સમર્થકે સદસ્યો અને ભાજપના કાર્યકરો વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ત્યારે આગામી દિવસોમાં જીતુભાઇ સોમાણી અપક્ષ ઉમેદવારી નોંધાવશે કે ભાજપ સળગતુ ઘર ઠારવામાં સફળ રહેશે તે જોવાનું રહેશે.

(11:59 am IST)