Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ખાણ ખનીજ વિભાગે સૂપેડી પાસે ગેરકાયદે રેતી ખનીજ ભરેલ ૩ ટ્રક સહિત રૂા.૩૦ લાખનો મુદામાલ ઝડપ્યો

ધોરાજી ઉપલેટામાં બેફામ રેતી ચોરીઃ ખનિજચોરો દ્વારા મોટી રકમના હપ્તા ઉપર સુધી અપાતા હોવાની વ્યાપક ચર્ચા?

ધોરાજી, તા.૨૭: ધોરાજી ઉપલેટા પંથકમાં વહેતી લોકમાતા ભાદર નદીમાં ખનિજખોરો બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓ દ્વારા રોજની કરોડો રૂપિયાની રેતી ઉપાડી લેવામાં આવે છે. અને જાણે આ ગેરકાયદે પ્રવૃત્તિ માટે તંત્ર દ્વારા પણ જાણે છૂટ અપાઈ હોય તેમ ધોરાજી ઉપલેટા પંથકમાં હાલ બેફામ ખનિજચોરી થઈ રહી છે. આ ઉપરાંત ઊઠતી ચર્ચા પ્રમાણે ખનીજ માફિયાઓ દ્વારા નીચેથી ઉપર સુધી (વ્યવહાર) પણ કરવામાં આવે છે. ભાદરમાં લિઝ ધરાવતા લીજધારકોને બાદ કરતાં નાના વાહનોમાં અને ટ્રેકટરો દ્વારા મંજૂરી વિના થતી ખનીજ ચોરી અંકુશ બહાર છે. અને આ મામલે તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવી પણ આશંકા રહેલી છે. અને અમુક લોકોએ પોતાનું નામ ગુપ્ત રાખવામાં આવે તેમ જણાવી વિશેષમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અંદાજે ૫૦ થી વધારે ટ્રેકટરો માત્ર ધોરાજી વિસ્તારમાં ચાલતા હોય જેનો પ્રતિમાહ એક ટ્રેકટર દીઠ ૬૦ થી ૭૦ હજાર નો (વહેવાર) થતો હોય છે.. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરાઈ છે કે કેમ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.

ગતરોજ ખનીજ વિભાગે રેતી ખનીજ ચોરી ડામવા ચેકીગ હાથ ધરીને સૂપેડી ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ત્રણ ટ્રક સહિત રૂ.૩૦ લાખનો મૂદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજી પંથકમાં ભાદર નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ચોરી ડામવા માટે રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તાના માર્ગદર્શન તળે જીલ્લા ખાણ અને ખનીજ કચેરીના ભૂસ્તર શાસ્ત્રી આકોલકર સહિતના અધિકારીઓની ટીમે સૂપેડી ગામે ચેકીગ ઝૂંબેશ હાથ ધરીને ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ત્રણ ટ્રક વાહનો રેતી સહિતનો રૂ. ૩૦ લાખની કિંમતનો મૂદામાલ ઝડપી પાડી ને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ધોરાજીમાં ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી ડામવા ચેકીગ ઝૂંબેશ હાથ ધરેલ જેમા વાહન નંબર જીજે ૧૯યુ ૨૩૮૨, જીજે ૦૫ બીયુ ૫૭૩૦, જીજે૨વી ૫૬૨૫ વાળા વાહનો ઝડપીને ધોરાજી પોલીસ મથકે સોંપણી કરીને કાર્યવાહી કરાઈ છે.

ધોરાજીમાં ખાણ ખનીજ વિભાગે રેતી ખનીજ ચોરી ડામવા માટે કડક ચેકીંગ કાર્યવાહી હાથ ધરાતાં ખનીજ ચોરી કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

આ અંગે રાજકોટ જીલ્લાના ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી આકોલકર નો સંપર્ક સાધવા તેઓએ જણાવ્યું હતું કે ધોરાજીના સૂપેડી ગામેથી રેતી ભરેલ ત્રણ ટ્રક સહિતનો રૂ. ૩૦ લાખનો મૂદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(11:58 am IST)