Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પ્રેમિકાને મળવા સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના ગોપાલ પરમારની ધોલધપાટ થતાં ઝેર પી લીધું

બાલાજી હોલ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતાં કડીયા યુવાનનું યુવતિના પરિવારજનોએ બાઇક પણ પડાવી લીધાનો આક્ષેપઃ બસ મારફત રાજકોટ આવ્યા બાદ રાત્રે પગલું ભર્યુ

રાજકોટ તા. ૨૭: મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક અર્જૂન પાર્ક પાસેના આરએમસી કવાર્ટરમાં રહેતાં ગોપાલ પરષોત્તમભાઇ પરમાર (ઉ.૨૨) નામના કડીયા યુવાને રાત્રીના અગિયારેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલમાં સારવાર અપાવી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પ્રેમિકાના પરિવારજનોએ સુરેન્દ્રનગરમાં તેની ધોલધપાટ કરતાં માઠુ લાગી જતાં આ  પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

ઝેર પી લેનાર ગોપાલ બે ભાઇ અને બે બહેનમાં વચેટ છે તથા લાદીકામની મજૂરી કરે છે. તેના મિત્ર વિજય જેરામભાઇ કોળીએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ગોપાલને અગાઉ પડોશમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ હતો. પણ તેણીના પરિવારજનોને ખબર પડી જતાં એ લોકો સુરેન્દ્રનગર તરફ રહેવા જતાં રહ્યા છે. ગઇકાલે વહેલી સવારે ગોપાલને ફોન આવતાં તે મિત્રનું બાઇક લઇને ત્યાં મળવા ગયો હતો. પરંતુ બાદમાં ત્યાં તેને છોકરીના સગા-પરિવારજનોએ પકડી લઇ ધોલધપાટ કરતાં અને બાઇક પણ પડાવી લેતાં તે બસ મારફત રાજકોટ આવ્યો હતો અને ઘરે આવી રાત્રે ઝેર પી લીધું હતું. તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)