Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસમાંથી લલિત વસોયાના નામની જાહેરાત કરાશે ?

ધોરાજી, તા. ર૭ : આગામી લોકસભા ને અનુસંધાને કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોરબંદર લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થયા નથી ત્યારે પોરબંદર બેઠક પર કોંગ્રેસ પક્ષે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા પર પસંદગીનો કળશ ઢોળાઈ તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.

ઙ્ગ ઙ્ગઆગામી લોકસભા ની ચૂંટણી કોંગ્રેસ ના અસ્તિત્વ અને ભાજપ ની પ્રતિષ્ઠા માટે નો જંગ બની રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી બંને પક્ષે ઉમેદવાર પસંદગીના મુદ્દે ભારે માનસિક કસરત માગી લે તેવો તાલ સર્જાયો છે.

આવા સંજોગોમાં પોરબંદર લોકસભામાં આવતી સાત વિધાનસભા બેઠકોમાં ચાર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે જયારે એક વિધાનસભામાં એનસીપી ના ધારાસભ્ય છે અને બે બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો જેમાંથી માણાવદર મેંદરડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા એ રાજીનામું ધરી દેતા અને ભાજપમાં પ્રવેશ કરતા હાલ સમગ્ર પોરબંદર લોકસભા બેઠક પર એકમાત્ર ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો છે .

ત્યારે હાલ કોંગ્રેસ પાસે પોરબંદર લોકસભા બેઠક પર આશાસ્પદ ઉમેદવાર તરીકે લલિત વસોયા નું નામ ટોચ પર બોલાય રહ્યું છે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય બન્યા બાદ તેમના મિજાજ અને લડાયક પ્રભાવને કારણે સૌરાષ્ટ્રમાં લોકપ્રિય ખેડૂત નેતા તરીકે છાપ પ્રસ્થાપિત કરવામાં વસોયા ને સફળતા મળી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ની પોરબંદર બેઠક પર લલીતભાઈ વસોયા કોંગ્રેસના કદાવર નેતા ની પસંદગી થાય તેવા સમીકરણ રચાઇ રહ્યા છે.

આ ઉપરાંત હાલ વસોયા ને કોંગ્રેસના હાઈ કમાન્ડ થી તેડું આવતા તાત્કાલિક દિલ્હી ખાતે દોડી ગયા છે.

બીજી તરફ મળતી વિગતો પ્રમાણે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ પોરબંદર કુતિયાણા ઉપલેટા અને મેંદરડા વિસ્તારમાં સો થી વધારે ગામોનો પ્રવાસ ખેડી લોક સંપર્ક કરી લીધો હોવાની વાત જગજાહેર છે.

ત્યારે એક ધારણા પ્રમાણે કોંગ્રેસ દ્વારા લલીતભાઈ વસોયા ને તેઓની ઉમેદવારી નિશ્યિત હોવાની ખાનગી જાણ કરાઈ હોય તેવું પણ સંભવ છે. અને નામની જાહેરાત ઔપચારિકતા પૂરતી બાકી રખાઈ હોય તેમ પણ બની શકે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ પોરબંદર લોકસભા બેઠક પર કેવા ઉમેદવારને મેદાને ઉતારવા તે બાબતે હજુ નિશ્યિત થઈ શકતા નથી ચર્ચાઈ રહેલા નામોમાં રાદડિયા પરિવારમાંથી કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ તેમના માતુશ્રી ચેતનાબેન રાદડિયા ના નામો અને ગોંડલના લેવા પાટીદાર અગ્રણી રમેશભાઈ ધડુક અને જસુમતીબેન કોરાટ ના નામો ચર્ચાઈ રહ્યા છે ત્યારે પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના લડાયક ધારાસભ્ય લલિત વસોયા પર ઉમેદવારીનો પસંદગી કળશ ઢોળાઈ તેવી સંભાવના ની સાથે ભાજપ માટે સામાં પક્ષે લડાયક ઉમેદવાર પસંદ કરવા આવશ્યક બની રહે છે.

(11:56 am IST)