Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

આમરા હાઇસ્‍કુલે રોજગાર અને કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

જામનગર તા.૨૭: મદદનીશ નિયામકશ્રી (રોજગાર) ની કચેરી, જામનગર તેમજ શ્રી સરકારી માધ્‍યમિક શાળા- આમરા દ્વારા કારકિર્દી અને રોજગારલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કારકિર્દી અને રોજગારલક્ષી સેમિનારની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરીના કેરિયર કાઉન્‍સેલર શ્રી અંકિતભાઈ ભટ્ટ દ્વારા રોજગાર કચેરી ખાતે રજિસ્‍ટ્રેશન, ભરતીમેળાઓ, આગળ અભ્‍યાસની તકો અને રોજગારીની તકો વિષે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરીના કેરિયર કાઉન્‍સેલર ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા આર્મી, નેવી, એરફોર્સ, અગ્નીવીર યોજનાની ભરતી પ્રક્રિયાઓ અને તેના માટે જરૂરી લાયકાત, અભ્‍યાસ, એપ્‍લીકેશન ફોર્મ વિષે, સંરક્ષણની વિવિધ ભરતીઓ વિષે વિસ્‍તૃત માહિતી અને સેમિનારના અંતમાં ઉચ્‍ચ અભ્‍યાસ, અનુસ્‍નાતક માટે વિવિધ ત્તકો અને રોજગારીની તકો વિષે વિસ્‍તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્‍યું હતું.

સેમિનારના અંતે શાળાના મદદનીશ શિક્ષકશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સેમિનારમાં ધોરણ ૯ થી ૧૨ ના ૧૩૬ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં આમરા હાઈસ્‍કુલના આચાર્ય શ્રી અંકુર બલદાણીયા, મદદનીશ શિક્ષકો, અન્‍ય સ્‍ટાફગણ તેમજ બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ મદદનીશ નિયામક (રોજગાર) સુશ્રી સરોજબેન સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(2:05 pm IST)