Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

મોરબીના રાજાશાહી વખતના રેલ્વે સ્ટેશનનું રૂ.૯.૯૮ કરોડના ખર્ચે નવીનકરણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ મોરબીના રાજાશાહી વખતના રેલવે સ્ટેશનને  રૂ.૯.૯૮ કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મોરબી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે આવેલ રાજાશાહી સમયના ઐતિહાસિક રેલવે સ્ટેશનનું પશ્ચિમ રેલવે દ્વારા રૂપિયા ૯.૯૮ કરોડના ખર્ચે મૂળ સ્વરૂપ જાળવી રાખી નવીનીકરણ કરવા નક્કી કરવામાં આવ્યું છે.સોમાવરે મોરબી રેલવે સ્ટેશનના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ મોરબી સહિત દેશના ૫૫૪  રેલવે સ્ટેશનના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું.મોરબી રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પરબ, પ્લેટફોર્મ પર સેડ, વેઈટિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધા વધારાઈ છે. સાથે જ આરસીસી ગ્રાઉન્ડ બનાવાયં છે, બગીચાનું નિર્માણ કરાયું છે અને ગેટ મોટો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી આશા ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ શાળાઓમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, , મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,ભાજપ અગ્રણી જયુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

   
(12:22 am IST)