Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કચ્છમાં કાલે ૪૪૦ બેઠકોના ૧,૧૩૧ ઉમેદવારો અને ૧૫.૭૦ લાખ મતદારોના મતદાન માટે તંત્ર સજ્જ

૧૦ હજારનો પોલિંગ સ્ટાફ જિલ્લા,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં બજાવશે ફરજ, ૧૫૦ એસટી બસ અને ૨૦૦ વાહનો અવર જવર માટે ઉપયોગમાં લેવાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૭: આવતીકાલે કચ્છમાં જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણી પાર પાડવા તંત્ર સજજ થઇ ગયું છે.

સ્થાનિક સ્વરાજયની આ ચુંટણીની આંકડાકીય રીતે વાત કરીએ તો કચ્છમાં એક જિ.પં, દસ તા.પં. અને છ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૪૦ બેઠકો અને ૧૧૩૧ ઉમેદવારો છે.

આ ચુંટણીમાં કુલ ૧૫ લાખ ૬૯ હજાર ૩૧૬ મતદારો ૧૮૯૫ બૂથ ઉપર મતદાન કરશે. જોકે, આ મતદાન બૂથોમાં ૪૧૯ સંવેદનશીલ જયારે ૧૯ અતિ સંવેદનશીલ છે. મતદાનની પ્રક્રિયા પાર પાડવા માટે ૧૦ હજાર કર્મચારીઓનો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

જેમની અવરજવર માટે ૧૫૦ એસટી બસ અને ૨૦૦ જેટલા ખાનગી વાહનો ઉપયોગમાં લેવાશે. આજથી જાહેર પ્રચાર બંધ થઈ જશે. જોકે, રાજકીય પક્ષોની ભાષામાં વાત કરીએ તો આજે હવે કતલની રાત છે.

આવતીકાલે રવિવારે મતદારો પોતાના ઉમેદવારને ચૂંટી કાઢશે. જોકે, લોકશાહીમાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે.

(11:25 am IST)