Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ગામડાઓમાં ઉત્તેજના...રોમાંચ...કાલે રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઃ સ્ટાફ રવાનાઃ ગોંડલ પાલિકા અંગે જડબેસલાક સુરક્ષા તૈનાત

ગામડાઓમાં ઉત્તેજના...રોમાંચ...કાલે રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઃ સ્ટાફ રવાનાઃ ગોંડલ પાલિકા અંગે જડબેસલાક સુરક્ષા તૈનાત

સવારે ૭થી સાંજે ૬ મતદાનઃ ગોંડલ પાલિકામાં ૪ તો જીલ્લા-તાલુકા પંચાયતમાં સીંગલ ચોઈસ ઈવીએમ : જીલ્લા-તાલુકા પંચાયતમાં ૯ લાખ ૪૧ હજાર મતદારોઃ ૧૧૪૧ મતદાન મથકોઃ ૩૯૬ સંવેદનશીલ બુથો ઉપર વિડીયોગ્રાફી

રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી કાલે થશે અને તે સંદર્ભે તાલુકા ક્ષેત્રો અને ૫૯૬ ગામડાઓમાં ભારે ઉત્તેજના-રોમાંચ વ્યાપી ગયો છે.

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે રાજકોટની વિરાણી હાઈસ્કૂલ, શેઠનગર, માધાપર ચોકડી ખાતેથી અને જીલ્લામાં તાલુકા મથકોથી થઈને એક ડઝન સ્થળેથી અને ગોંડલ પાલિકાની ચૂંટણી અન્વયે બે સ્થળેથી કુલ ૮ હજારનો ચૂંટણી સ્ટાફ આજે રીકવીઝીટ કરાયેલ બસો અને અન્ય વાહનો મારફત સવારે ૧૦.૧૧ વાગ્યાથી પોતપોતાના ઈવીએમ-અન્ય મશીનરી સાથે પોતાના બુથો ઉપર રવાના થયા હતા.

કાલે જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ તથા તાલુકા પંચાયતની કુલ ૨૦૨ બેઠક માટે અને ગોંડલ નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. જીલ્લા-તાલુકા પંચાયતમાં ૯ લાખ ૪૧ હજાર તો ગોંડલ પાલિકામાં ૮૮૭૩૮ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગોંડલ પાલિકામાં ૯૦ અને રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતમાં કુલ ૧૧૪૧ મતદાન મથકો જાહેર થયા છે.

કલેકટર તંત્રે પોલીસ સાથે મીટીંગ કરી ગોંડલ પાલિકામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અમુક અશાંત વિસ્તારમાં એસઆરપીની કંપનીઓ પણ ગોઠવી દેવાઈ છે. જીલ્લા-તાલુકા પંચાયતમાં ૩૯૬ મતદાન મથકો સંવેદનશીલ તો ૬૬ બુથો અતિસંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યાં તમામ ઉપર વિડીયોગ્રાફી થશે. ગોંડલ પાલિકામાં મતદારે ૪ તથા જીલ્લા-તાલુકા પંચાયતમાં સીંગલ ચોઈસ ઈવીએમ સિસ્ટમ રખાઈ છે.

(11:23 am IST)