Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કોટડાસાંગાણીના રામોદમાં ભાજપના પૂર્વ મહામંત્રી અમિત પડાળીયા સહિત ૩ શખ્સો દ્વારા યુવતી ઉપર ચાલુ કારમાં સામુહિક દુષ્કર્મ

રીવોલ્વર બતાવીને યુવતીને ચૂપ રહેવા ધમકીઃ શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલાભાઈ શેખડા સહિત ૩ સામે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ : ભોગ બનનાર પીડીતાનો મેડીકલ ટેસ્ટ કરાવાયોઃ ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છેઃ એસપી બલરામ મીણા

રાજકોટ તા.૨૭ :. રાજયના શાસક ભાજપ માટે શર્મનાક એવી જધન્ય ઘટનામાં કોટડાસાંગાણી ભાજપના અગ્રણી સહિત ૩ શખ્સો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. કોટડા સાંગાણી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને સરપંચના પુત્ર સહિત ત્રણ આરોપીઓએ ચાલુ કારે રિવોલ્વરની અણીએ ધમકી આપી યુવતી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ, ગોંડલના રામોદ ગામે ભાજપ અગ્રણી સહિત ત્રણ શખ્સોએ યુવતી ઉપર ગેંગરેપ કર્યાની દ્યટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રામોદની દલિત યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી જઇ ચાલુ કારમાં જ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી સહિત ત્રણેય શખ્સોએ યુવતી ઉપર સામુહીક બળાત્કાર ગુજારી રિવોલ્વર બતાવી યુવતીને ચૂપ રહેવા ધમકી આપી હતી. બળાત્કાર પીડીતા યુવતીને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

ચકચારી ગેંગરેપની ઘટના અંગે કોટડા સાંગાણી પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગેંગરેપ, અપહરણ, એટ્રીસીટી, આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસમાં થયેલ ફરીયાદ મુજબ ગોંડલ તાલુકાના રામોદ ગામે રહેતી ૧૯ વર્ષીય દલિત યુવતી ગઇ કાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે એકલી હતી ત્યારે કોટડા સાંગાણી તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અમિત જેન્તી પડાળીયા અને તેની સાથેના શાંતી ગોંવિદ પડાળીયા અને વિપુલ ભાયલાભાઇ શેખડા ત્રણેય શખ્સો સફેદ કલરની કારમાં ઘસી આવ્યા હતા અને અમીત પડાળીયાએ યુવતીનો હાથ પકડી જબરદસ્તથી તેને કારમાં ઉઠાવી જઇ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. અને ચાલુ કારમાં જ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અમિત પડાળીયા સહિત ત્રણેય શખ્સોએ યુવતી ઉપર સામુહીક દુષ્કર્મ કરી યુવતીને પીખી નાંખી હતી અને બાદમાં ઘરે યુવતીને ઉતારી દીધી હતી જતા જતા આરોપી અમીત પડાળીયાએ યુવતીને રિવોલ્વર દેખાડી કોઇને વાત કરશે તો તારા ભાઇને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

સમગ્ર બનાવ અંગે યુવતીએ તેના પરિવારજનોને વાત કરતા પરિવાર ચોંકી ઉઠયો હતો અને યુવતીને તાત્કાલીક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવની જાણ થતા કોટડા સાંગાણી પોલીસ કાફલે હોસ્પિટલે દોડી ગયો હતો અને દલિત યુવતીની ફરિયાદ પરથી સામુહીક દુષ્કર્મ ગુજારનાર શખ્સો તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી તથા રામોદના સરપંચ પુત્ર અમીત, શાંતિ ગોવિંદ અને વિપુલ શેખડા વિરૂધ્ધ અપહરણ, સામુહીક દુષ્કર્મ, ધમકી અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે.

ભાજપ અગ્રણીને સંડોવતા ગેંગરેપના બનાવથી જિલ્લા ભાજપના સંગઠનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ  પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આરોપી અમિતની માતા રામોદ ગામના સરપંચ

રામોદ ગામની દલિત યુવતી ઉપર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી સહિત ત્રણ શખ્સોએ સામૂહિક ગેંગરેપની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે ત્યારે આરોપી ભાજપ અગ્રણી અમિત પડાળિયાના માતા રામોદ ગામના સરપંચ હોવાનું પણ સામે આવ્યું છે.

રામોદ ગામે આચરવામાં આવેલ દુષ્કર્મ મામલે એસપી બલરામ મીણાએ આજે પ્રેસ કોન્ફન્સમાં જણાવ્યું હતું કે ગઇકાલે દુષ્કર્મની ઘટના અંગે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીડિતા નો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. પીડિતા ની પૂછપરછ કરવામાં આવી છે..તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.

(3:16 pm IST)