Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સરકારની કલ્યાણકારી યોજનાએ ચોરવાડનાં કમલેશ રાઠોડનું કલ્યાણ કરી દીધું

તબીબ બનવાનું સ્વપ્ન સાકારઃ ફિલીપાઇન્સમાં અભ્યાસ

જૂનાગઢ,તા.૨૭: આર્થિક રીતે નબળા પરંતુ શિક્ષણમાં તેજસ્વી વિધાર્થીઓ માટે સરકાર દ્વારા  વિદેશ અભ્યાસ યોજના કાર્યરત છે. જેના થકી ચોરવાડના ખેતમજૂરી કરતા અરજણભાઈ રાઠોડનો દિકરો કમલેશ રાઠોડ હાલ ફિલીપાઈન્સમાં ડોકટરનો અભ્યાસ કરી રહયો છે.  જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે રહેતા અરજણભાઈ રાઠોડ ખેતમજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં બે પુત્રો પૈકી નાનો દિકરો  કમલેશ વિકસતી જાતિ કલ્યાણ ખાતાની વિદેશ સહાય યોજનાના માધ્યમથી  હાલમાં તે ફીલીપાઈન્સમાં ડોકટરનો અભ્યાસ કરી રહયો છે.અરજણભાઈ એ જણાવ્યું કે, મારા દિકરાની ઈચ્છા હતી કે, મારે ડોકટર બનવું છે. ઘરની સાધારણ પરિસ્થિતિ  વચ્ચે   દિકરાની ભણવા પ્રત્યેની ધગશ અને તેજસ્વીતા  જોઈ અમને મૂંઝવણ અને ચિંતા થતી  કે અમારા દિકરાનું ડોકટર બનવાનું સ્વપ્ન અમે કઈ રીતે પુરૂ કરી શકીશુ.

દરમિયાન કમલેશનો ધો.૧૨નો અભ્યાસ પૂરો થતા અમે જૂનાગઢના સંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમાને મળ્યા.તેમણે અમને સરકારની સહાય લેવા આ યોજના અંગે માર્ગદર્શન આપેલ. ત્યાર બાદ અમે વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાંથી માર્ગદર્શન મેળવી અને જરૂરી કાર્યવાહી કરી હતી. અરજણભાઈ કહે છે, સરકારની આ કલ્યાણકારી યોજના થકી તથા સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, વિકસતી જાતિ કલ્યાણ વિભાગના નિયામકશ્રી અશ્વીન પરમાર, હુંબલભાઈ,વસોયાભાઈ એ અમને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને મારા દીકરાનું ડોકટર  બનવાનું સ્વપ્ન સાકાર થશે.

કમલેશ રાઠોડ

કમલેશ રાઠોડ ધો.૧૦ સુધી ચોરવાડ પ્રાથમિક શાળામાં, જયારે ધો.૧૧-૧૨ નું શિક્ષણ ચાંપરડામાં  મેળવ્યું છે. હાલ ફીલીપાઈન્સના સેબુ શહેરની ગુલાસ કોલેજ ઓફ મેડીસીનમાં અભ્યાસ કરે છે. તેઓ સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહયા છે.પ્રથમ યરમાં તેણે ૮૫ પર્સેન્ટ સ્કોર કર્યો છે. તેમણે જણાવ્યું કે,અહિં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મારે ઈન્ડિયામાં સેટ થવું છે.સ્વમહેનત સાથે ધગશથી અભ્યાસ અને સરકારની સહાયથી મારૂ ડોકટર બનવાનું સ્વપ્ન સાકાર થશે. 

વિદેશ વિશે

સરકાર દ્વારા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન પૂરી પાડવામાં આવે છે. જેમાં અભ્યાસક્રમ મુજબ મહત્ત્।મ રકમ રૂ.૧૫ લાખ ૪ ટકાના નજીવા વ્યાજદરથી આ લોન મળવાપાત્ર છે. અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ લોન ભરવાની રહે છે.  આ યોજનાનો લાભ મેળવવા ફોર્મ વેબસાઈટ પરથી http://sje.gujarat.gov.in./ddcw અથવા વધુ માહિતી માટે વિકસતી જાતિ (કલ્યાણ) નિયામકની કચેરી જૂનાગઢ ખાતે સંપર્ક કરવો.

(11:41 am IST)