Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ધોરાજીના કંપાઉન્ડરને આપઘાતની ફરજ પાડવાના ચકચારી કેસમાં મહિલા આરોપીને ત્રણ વર્ષની સજા

ધોરાજી,તા.૨૭:  ધોરાજીના એક કમ્પાઉન્ડર ને આપઘાત કરવા માટે મજબુર કરનાર યુવતીને ધોરાજી સેશન્સ કોર્ટે જવાબદાર ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા તેમજ ૫૦૦૦ રૂપિયા રોકડ દંડ ની સજા ફટકારી હતી.

વર્ષ ૨૦૧૮ માં ધોરાજીમાં રહેતા અનિલભાઈ ભીખાભાઈ બાલધા નામના યુવાને તા. ૫/૧૦/૧૮ ના રોજ સવારે ઝેરી દવા ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો.મૃતક અનિલ બાલધા ધોરાજી ના વિવિધ ખાનગી દવાખાનાઓ માં નોકરી કરતો હતો. અને આપઘાત કરતા પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં જણાવેલ કે મનીષા બાબુભાઈ બાલધા નામની યુવતી મૃતકને ખૂબ જ હેરાન કરતી હતી અને તે મૃતકની પાછળ પડી ગયેલ હોય મૃતકના લગ્ન થઇ ગયા હોવા છતાં આ યુવતી મૃતક અનિલને લગ્ન કરવા માટે ખૂબ જ દબાણ કરતી હતી આ પ્રકારનો વીડિયો મૃતક અનિલ બાલધા એ આપઘાત કરતા પહેલાં વોટ્સએપ ના માધ્યમથી વાયરલ કર્યો હતો અનિલ બાલધા ઝેરી દવા પીધા બાદ તેને સારવાર માટે ખસેડાયેલ પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું.

ત્યારબાદ તપાસનીસ પોલીસ અધિકારીએ મૃતક અનિલ બાલધા ની પત્ની નું નિવેદન લઇ મનિષાબેન બાબુભાઈ બાલધા સામે પોલીસ ફરિયાદ નોંધી હતી આરોપી મહિલા મનીષા બાલધા સામે ધોરાજી સેશન્સ કોર્ટમાં મેજિસ્ટ્રેટ હેમંતકુમાર દવે સામે આખી ટ્રાયલ ચાલી હતી જેમાં કુલ ૧૬ સાહેદો અને ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ આરોપી પક્ષેમનિષા એ પોતે નિર્દોષ હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી ઉપરાંત મરણ જનાર અનિલ બાલધા ના પત્ની અને અન્ય સાહેબો કોર્ટ રૂબરૂ જુબાનીમાં ફરી ગયા હતા અને હોસ્ટેલ થયા હતા. ત્યારે સરકારી વકીલ તરફથી કોટને જણાવેલ કે મરણ જનારના મૃત્યુ પહેલા નો વિડીયો અને એસ એલ કચેરીના તજજ્ઞોની તપાસ નજર અંદાઝ કરી શકાય નહીં. તેમજ સરકારી વકીલ કાર્તિકભાઈ પારેખ દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજુ કરાતા સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટ હેમંતકુમાર દવે તમામ પુરાવાઓ ધ્યાને લઇ તેમજ આરોપી મનીષા બાબુભાઈ બાલધા ની માનસિક બીમારીને નજર સમક્ષ રાખી ત્રણ વર્ષની કેદ તેમજ ૫૦૦૦ રૂપિયા દંડ ફટકારતી સજા સંભળાવી હતી. મૃતક અનિલ ભીખાભાઈ બાલધા અને આરોપી મનીષા બાબુભાઈ બાલધા બંને એક જ કુટુંબના હોય જે આ બાબતની બનાવના સમયે શહેરમાં ભારે ચર્ચા જાગી હતી.

(11:31 am IST)