Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અલંગ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન યોજાશેઃ માંડવિયા

કેન્દ્ર સરકાર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડનું આયોજન : ગુજરાતના બજેટમાં અલંગશીપ રીસાઇકલીંગ યાર્ડના આધુનિકરણ માટેની ૭૧૫ કરોડની જોગવાઇ આવકાર્ય

રાજકોટ,તા.૨૭: નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત બજેટ અંગે કેન્દ્રીય રાજય મંત્રી શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમીકલ્સ અને ફર્ટીલાઇઝરશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે કે, 'ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનો યુવાન વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી રહે તેવી જોગવાઇઓ વાળુ સર્વાંગી અને સમતોલ વિકાસની દ્રષ્ટિ સાથે સમાજનાં દરેક વર્ગોની દરકાર લેતું અને વિકાસની અનેક તકોનું સર્જન કરનાર સર્વસમાવેશી અને ઐતિહાસકિ બજેટ આપવા બદલ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલને અભિનંદન. આ બજેટ જન સામાન્યના સ્વપ્નના ગુજરાતનુ નિર્માણ કરતુ બજેટ બની રહેશે.'

 ગુજરાત સરકાર દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડના આધુનિકરણ માટે રૂ. ૭૧૫ કરોડ જેટલી રકમની જાહેરાત કરેલ છે, જેને હું આવકારું છું. શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ભારત દુનિયામાં નંબર વન છે. તથા ભારત દેશ દુનિયાનું ૩૦% શીપ રીસાયકલીંગ કરે છે, જેમાં ૯૯્રુથી વધારે વ્યવસાય ગુજરાતમાં આવેલ છે. આમ, શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ગુજરાતનું પ્રદાન દુનિયામાં સૌથી વધુ છે તેમ કહીએ તો ખોટું નથી. ત્યારે, તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા હોંગકોંગ કન્વેશન લાગુ કરી 'શીપ રીસાયકલીંગ બીલ'લાગુ કરવામાં આવેલ છે. જેથી અલંગ શીપ બ્રેકીંગ ઇન્ડસ્ટ્રીની વર્ષો જૂની જે માંગણી હતી કે શીપ રીસાયકલીંગ માટે એક કાયદો બને અને હોંગકોંગ કન્વેશનનું રેટીફીકેશન થાય, જેથી દુનિયાના વિકસિત દેશોમાંથી શીપ લાવવા શકય બને તે પરિપૂર્ણ થયું છે. આ કાયદો બન્યા પછી વિશ્વના નોર્વે તથા જાપાન જેવા દેશોએ ૪૦-૪૦ શીપ દર વર્ષે શીપ રીસાયકલીંગ માટે ભારતમાં મોકલવા પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. આમ, આજે ભારતનું સ્થાન દુનિયાની અંદર શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ખુબ આગળ વધી રહ્યું છે.આગામી સમયમાં અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડની કેપેસીટી દુનિયા સમક્ષ રજુ કરવા માટે અલંગ ઇન્ડસ્ટ્રીઝનો એક ઇન્ટરનેશનલ એકસ્પો પણ ભારત સરકાર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા અલંગ ખાતે આયોજીત કરવામાં આવશે. તે દિશામાં  વિચારણા અને એક વર્ષે શીપ રીસાયકલીંગ એકસ્પો અને બીજા વર્ષે ઇન્ટરનેશનલ સેમીનાર થાય. આમ એકંદર વર્ષે એક આયોજન થાય જેથી દુનિયાની અંદર અલંગ શીપ રીસાયકલીંગ શકિતને આપણે દર્શાવી શકાય તે માટે પણ આજે ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે. તેમ મનસુખ માંડવિયા જણાવે છે.

(11:28 am IST)