Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

માયાભાઇ આહિરને ત્યાં લગ્ન પ્રસંગે રોકેટ આડુ ફૂટતા કે ફાયરીંગથી બેન્ડ પાર્ટીના કલાકારને ઇજા ? તપાસનો ધમધમાટ

ફાયરીંગની ઘટના હશે તો કાનુની કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ નહી થાય : માયાભાઇ આહિર

ભાવનગર તા. ૨૭ : જાણીતા લોકસાહિત્યકાર માયાભાઇ આહિરની સુપુત્રીના લગ્ન પ્રસંગે ફાયરીંગ કે ફટાકડાના કારણે અમદાવાદના બેન્ડ પાર્ટીના કલાકારને ઇજા થતાં આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

તળાજા તાલુકાના બોરડા ગામમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઇ આહિરની પુત્રીના લગ્ન પ્રસંગ સમયે થયેલા ભડાકામાં અમદાવાદથી આવેલા ઢોલીને ઇજા થઇ હતી. જોકે, ભડાકાનો અવાજ બંદૂક, રિવોલ્વોર જેવા હથિયારનો હતો કે ફટાકડાનો? ઇજા શેનાથી થઇ? એ સહિતના મુદ્દે પોલીસે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. માયાભાઈએ પણ જો ફાયરીંગનો બનાવ હોય તો કાનૂની કાર્યવાહી થવી જોઇએ તેમ જણાવ્યું હતું.

તળાજાના બોરડા ગામમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઇ આહિરની પુત્રીના લગ્ન પ્રસંગ નિમિતે સોમવારે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે માંડવો અને રાતે લગ્ન હોવાથી મંગળવારે રાતે અમરેલીથી જાન લઇને આવેલા જાનૈયાઓ બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે પહોંચ્યા હતા. આ પ્રસંગમાં માયાભાઇના કુટુંબી, સગા, સંબંધીઓ અને આમંત્રિતો સહિત અંદાજીત ત્રણ હજારથી વધુ આમંત્રિતો હાજર હતા. ફટાકડાના અવાજ વચ્ચે અચાનક ફાયરિંગ જેવો ધડાકો થયો અને અમદાવાદથી આવેલી બેન્ડ પાર્ટીના ઢોલી દશરથભાઈ રાઠોડ (જૂના વાડજ, અમદાવાદ) ને કાનની નીચે ગાલ-ગળા વચ્ચે ગંભીર ઇજા થતાં તે ઢળી પડ્યા હતા.

ચર્ચાતી વિગત મુજબ, પ્રસંગમાં કોઇએ ઉત્સાહમાં આવીને કરેલા ફાયરીંગમાં ઢોલી દશરથભાઇનેગંભીર ઇજા થઇ હતી અને તેમને સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો અને ઘવાયેલા ઢોલીને થયેલી ઇજા ફાયરીંગમાં થઇ છે કે ફટાકડાથી? એ અગે તપાસ શરૂ કરી છે જયારે માયાભાઇ આહિરએ જણાવ્યું છે કે તેમણે ધડાકા જેવો અવાજ થયા પછી ઢોલીને ઇજા થયાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જયારે આ બનાવ બન્યો ત્યારે પોતે માંડવામાં હોવાથી વિશેષ કોઇ માહિતી નથી પરંતુ હાજર આમંત્રિતો પાસેથી જે જાણકારી મળી હતી એ મુજબ, ફટાકડા ફોડવાનું ચાલુ હતું ત્યારે રોકેટ કે એ પ્રકારનો એક ફટાકડો આડી ફૂટતા દુર્ઘટના સર્જાઇ હતી. ફાયરીંગ થયું હોય તો ઢોલીની આસપાસ મોટું ટોળું હોવાથી અન્યને પણ ઇજા થઇ હોત. જોકે, સત્ય શું છે એ વિશે તો જેને ઇજા થઈ છે એ વ્યકિત પોતે અને પોલીસ જ કહી શકે છે. બાકી અમારા પ્રસંગમાં કોઇ બંદૂક લઇને આવ્યા ન હતા, પરતુ 'હિતેચ્છુઓ' અલગ અલગ વાત કરે છે! આ મામલે પોલીસ સાથે વાત થઇ ત્યારે પણ બનાવ ફાયરીંગનો હોય તો કાનૂની કાર્યવાહી કરવા કહ્યું છે. પ્રકરણને દબાવવાનો કોઇ પ્રયાસ થયો નથી અને થશે નહીં. તેમ અંતમાં લોકસાહિત્યકાર માયાભાઇ આહિરે જણાવ્યું હતું.

(11:27 am IST)