Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નર્મદા પાણી માટે ૨૫૦૦ કરોડની સામે કચ્છને માત્ર ૧૦૮૪ કરોડ ફાળવાયા

ગુજરાત સરકારનું બજેટ કચ્છ માટે નિરાશાજનકઃ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો આક્રોશ

ભુજ,તા.૨૭: ગુજરાત સરકાર દ્વારા આજરોજ રજુ કરવામાં આવ્યું બજેટ કચ્છ માટે અત્યંત નિરાશાજનક છે. કહી શકાય કે આ બજેટમાં કચ્છને ઠેંગો જ મળ્યો છે. કેમ કે કચ્છને નર્મદાનું ૧ મિલિયન એકર ફિટ પાણી મળે તે માટે ઓછામાં ઓછી ૨૫૦૦ કરોડ કે કોઇ વિશેષ જાહેરાતની કચ્છના લોકોને અપેક્ષા હતી. પરંતુ ૩૨ જિલ્લામાં પૂર્ણ થયેલી નર્મદા યોજના કચ્છમાં પૂર્ણ થાય તેવું ગુજરાત સરકાર ઇચ્છતી જ ન હોય તેમ માત્ર ૧૦૮૪ કરોડ ફાળવાયા છે. તેમાં પણ આ તમામ રૂપિયા વપરાશે કે નહિ તે પણ એક પ્રશ્નાર્થ છે. તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં શહેરી વિકાસ માટે કેટલાક શહેરો સ્માર્ટ સિટી માટે સમાવવામાં આવ્યા છે. પરંતુ તેમાં કયાંક કચ્છના કોઇ પણ શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત કચ્છના આરોગ્ય કે શિક્ષણ માટે કોઇ પણ મહત્વની જાહેરાત કરવામાં આવી નથી. જે અત્યંત નિરાશાજનક છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દિપક ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના બજેટમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્વોશન પોલિસી અંતર્ગત ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે ૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેનો મતલબ એક વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળે તે માટે માત્ર ને માત્ર ૧૪૨ રૂપિયા ફાળવાશે. જે વિદ્યાર્થીની કુર મજાર આ સરકારે કરી છે. અને શિક્ષણ સ્તર સુધરે તે માટે એડહોક (કરાર આધારિત) કર્મચારીઓન કાયમી કરવાની માંગ કચ્છ સહિત સમ્રગ ગુજરાતમાં હતી. પરંતુ તે માટે કોઇ જ પ્રાધાન્ય સરકારે જાહેર કર્યું નથી.

કચ્છમાં એક પણ સરકારી કોલેજની જાહેરાત કરવામાં આવી નથી. અને કચ્છની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે. તેના માટે પણ આ બજેટમાં કોઇ વિચારણા કરવામાં આવી નથી. ઉપરાંત કચ્છના ઉદ્યોગોમાં કચ્છના બેરોજગાર  વિદ્યાર્થીઓને રોજગાર મળે તેનું પણ કોઇ આયોજન કરવામાં આવ્યું નથી. માટે આ બજેટ વિદ્યાર્થીઓ અને બેરોજગારો માટે સંપૂર્ણ નિરાશાજનક છે. તેવું પ્રવકતા દિપક ડાંગરની યાદીમાં જણાવ્યું હતું.

(11:25 am IST)