Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભાવનગરમાં તનિષ્ક શોરૂમના મેનેજમેન્ટ એજન્ટનું અપહરણ કરી એક કરોડની ખંડણી વસુલનાર ૩ શખ્સોની ધરપકડ

ભાવનગર તા.૨૭ : ભાવનગરમાં ચકચાર મચાવનાર તનિષ્ક શોરૂમ ના મેનેજમેન્ટ એજન્ટ નું અપહરણ કરી રૂપિયા ૧ કરોડની ખંડણી વસૂલ વાના બનાવ અંગે આખરે ૨૫ દિવસ બાદ ફરિયાદ નોંધાવાતા પોલીસે આ બનાવની ગંભીરતા સમજી અપહરણ કરી ખંડણી ઉઘરાવનારો ચાર શખ્સો પૈકી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

વઘાવાડી રોડ પર આવેલ તનિષ્ક શોરૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશભાઈ ચણુંલાલ જોધવાણીનું ગત તા.૨૯/૧ના તેના ભાંગલી ગેટ નજીક આવેલ ઘર પાસેથી ચાર શખ્સએ અપહરણ કરી, રૂ.૫૦ લાખ રોકડા તથા રૂ.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં મળી કૂલ રૂ.એક કરોડની ખંડણી વસુલ કરી હતી. અપહરણ બાદ ખૂબ જ ગભરાઈ ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. દરમ્યાન સોની વેપારી ઉપર હુમલાની ઘટના બાદ આ કિસ્સો બહાર આવતા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી.

પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આ ગુન્હામાં રોહિત માસા કોતર રે.ગોકુલનગર, કુંભારવાડા,યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા, શકિતસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા, રે.બંને સરકારી હોસ્પિટલ પાસે,મફતનગર તથા કલ્પેશ નાથા કોતર,રે.સીદસર તેમજ એક અજાણ્યા શખ્સની સંડોવણી ખુલતા,પોલીસે રોહિત કોતર,યશપાલસિંહ ચુડાસમા તથા શકિતસિંહ ચુડાસમાની ધરપકડ કરી છે.

પોલીસે આરોપી પાસેથી રૂ.૧૨.૧૦ લાખ રોકડા,આઈ ૨૦ અને હુંડાઈ કાર કિં. રૂ.૧૬ લાખ,એપલ કંપનીના ૨ મોબાઈલ કિં.રૂ.૧.૮૦ લાખ મળી કુલ રૂ.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પોલીસ એસ.ઓ.જી પોલીસ એ ડિવિઝન પોલીસ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે ચોથા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને કડક સજા મળે તે માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર ની નિમણૂક કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(11:26 am IST)