Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ખંભાળીયા પાસે કાર હડફેટે બાઇક : ૨ મિત્રોના મોત

ખાનગી કંપનીના ફિલ્‍ડ એકઝીક્‍યુટીવ ઓફિસર રીશી રાજેશભાઇ જોશી અને ભરત બુધાભાઇ લુણાવીયાના મૃત્‍યુથી અરેરાટી : લગ્નના ૨૦ દિવસ પહેલા યુવકના મોતથી પરિવારમાં ઘેરો શોક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૭ : દ્વારકા-જામનગર ધોરીમાર્ગ પર ગઈકાલે સવારે પુરપાટ જતી એક ઇનોવા કારના ચાલકે સમૂહ લગ્ન પ્રસંગે મોટર સાયકલ મારફતે જઈ રહેલા બે વિપ્ર મિત્રોને અડફેટે લેતા આ બંને યુવાનોના  મૃત્‍યુ નીપજ્‍યા હતા.

મૂળ મીઠાપુરના રહીશ અને હાલ અત્રે જામનગર હાઈવે રોડ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં ફિલ્‍ડ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર તરીકે કામ કરતા રિશીભાઈ રાજેશભાઈ જોશી નામના ૨૬ વર્ષના યુવાન ગઈકાલે ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે બ્રાહ્મણ જ્ઞાતિના સમુહ લગ્ન તથા સમૂહ યજ્ઞોપવિત પ્રસંગે ઉપસ્‍થિત રહેવા માટે કંપનીમાંથી તેમના જી.જે. ૧૬ એ.એસ. ૬૨૬૨ નંબરના પલ્‍સર મોટરસાયકલ પર બેસીને સવારે આશરે આઠેક વાગ્‍યે નીકળ્‍યા હતા. તેમની સાથે જામનગર ખાતે રહેતા તેમના મિત્ર ભરતભાઈ બુધાભાઈ લુણાવીયા (ઉ.વ. ૨૬) પણ બાઈકમાં સાથે આવવા માટે રવાના થયા હતા.

ગઇકાલે સવારે આશરે ૮.૩૦ વાગ્‍યે ખંભાળિયા નજીકના દ્વારકા હાઈ-વે માર્ગ પર માર્કેટિંગ યાર્ડ નજીકથી તેઓ ડબલ સવારી મોટરસાયકલમાં પસાર થઈ રહ્યા હતા, ત્‍યારે આ માર્ગ પરથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૩૭ બી ૬૮૫૮ નંબરની ઈનોવા મોટરકારના ચાલકે રિશીભાઈના પલ્‍સર મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્‍માતસજર્યો હતો.

આ જીવલેણ ટક્કરમાં બાઈક સવાર બંને મિત્રો ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત બનેલા રિશી રાજેશભાઈ જોશીનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મૃત્‍યુ નીપજયું હતું.

આ અકસ્‍માતમાં બાઇકની પાછળ બેઠેલા ભરતભાઈ લુણાવીયા અને ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

આ બનાવવાની કરૂણતા તો એ છે કે મૃતક રિશી જોશીની સગાઈ થોડા સમય પૂર્વે અંજાર મુકામે થઈ હતી અને આગામી તારીખ ૧૫મી ફેબ્રુઆરીના રોજ તેમના લગ્ન પણ નક્કી થયા હતા. લગ્નના વીસેક દિવસ પૂર્વે આશાસ્‍પદ યુવાનના અકાળે અવસાનના આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદની લાગણી પ્રસરાવી છે.

બે વિપ્ર યુવાનોના અકસ્‍માતે મૃત્‍યુના આ બનાવથી સમગ્ર બ્રહ્મ સમાજમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક રિશી જોશીના બનેવી અશોકભાઈ વાલજીભાઈ ત્રિવેદી (ઉ.વ. ૩૬, રહે. મીઠાપુર)ની ફરિયાદ પરથી ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ,આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:41 pm IST)