Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

હળવદમાં ઘરધણી વાડીએ ગયા અને તસ્‍કરો ૪.૦૫ લાખની માલમતા ઉસેડી ગયા

વાડી માલિકને ઉધડના નાણાં ચૂકવવા વેવાઈ પાસેથી ૪ લાખ ઉછીના લાવ્‍યા અને તસ્‍કરો કળા કરી ગયા

(દીપક જાની દ્વારા )હળવદ,તા.૨૭: હળવદના સ્‍વામી નારાયણ નગરમાં એક રાત માટે બંધ પડેલા મકાનમાં તસ્‍કરોએ હાથફેરો કરી રૂપિયા ૪ લાખ રોકડા અને ૫ હજારના ચાંદીના દાગીના મળી ૪.૦૫ લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના સરા રોડ ઉપર સ્‍વામી નારાયણ નગરમાં રહેતા ચંદુભાઈ પ્રેમજીભાઈ જાદવ નામના દલવાડી યુવાને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તા.૨૪ના રોજ તેઓ તેમના પત્‍ની સાથે વતન મૂળી તાલુકાના કડમાદ ગામે ખેતીની જમીનમાં બોરવેલની મોટર બંધ થયેલી હોય રીપેર કરવવા માટે ગયા હતા અને ત્‍યાંજ રોકાઈ ગયા હતા. બીજી તરફ તેમનો પુત્ર ભાવિક પણ તેમની પત્‍ની લીલાપર ખાતે ફઈજીની ઘેર આવી હોવાનો ફોન આવતા લીલાપર રોકાઈ ગયેલ અને ઘર બંધ હાલતમાં હતું.

દરમિયાન એક રાત માટે બંધ પડેલ ઘરને તસ્‍કરોએ નિશાન બનાવતા ચંદુભાઈના ભાઈએ સવારમાં ઘરના દરવાજા ખુલ્લા હોય ચંદુભાઈને ચોરી થયા અંગે જાણ કરી હતી. વધુમાં ચંદુભાઈ કોયબા ગામે ઉધડમાં વાડી વાવતા હોય વાડી માલિકને ઉધડ ચૂકવવા માટે વેવાઈ પાસેથી ૪ લાખ ઉછીના લાવ્‍યા હતા જે ઘરના કબાટમાં પડેલ હોય તસ્‍કરો રૂપિયા ૪ લાખ રોકડા તેમજ રૂપિયા ૫ હજારની કિંમતના ચાંદીના દાગીના તસ્‍કરો ઉઠાવી ગયા હોવાનું માલુમ પડતા હળવદ પોલીસ મથકમાં ચોરી થવા અંગે અજાણ્‍યા તસ્‍કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

(12:25 pm IST)