Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

તમામ ક્ષેત્રે કચ્છ જિલ્લો ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે: રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલા

૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી : જિલ્લાની વિવિધ હોસ્પિટલો ઉપરાંત, કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી બદલ વિવિધ સંસ્થાઓને સન્માનિત કરાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:: જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના વરદ્ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. ભુજમાં લાલન કોલેજ ખાતે આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર પર્વમાં નામી અનામી શહીદો, સ્વાતંત્ર્યવીરો અને દેશભકતો તેમજ ભૂકંપપીડિતોને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ, કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૩માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક સાથે જોડાએલા તમામનું સમર્પણ મહાન, ઉત્કૃષ્ટ અને અમુલ્ય હતું.

દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરું છું. 

આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતને ભવ્ય બનાવવા માટે આપણા સૌના લોકલાડિલા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અત્યારે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બની વણથંભ્યો વિકાસ સાધી રહયો છે. પ્રવર્તમાન કોરોના મહામારી વચ્ચે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં ૧૬૦ કરોડથી વધુ વેકસિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.

તેમણે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણા દેશે વિશ્વનાં અનેક દેશોને કોરોના સામેની રસી ઉપલબ્ધ કરાવી છે. રાજયના પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકારે તાજેતરમાં જ સુશાસનના ૧૨૧ દિવસ પૂર્ણ કરી લોકાભિમૂખ વહીવટનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજય સરકારની જનસેવાની આ પરિશ્રમ યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યને સાકાર કરવા સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહયું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતએ દેશ માટે ગ્રોથ એન્જિન છે.

કચ્છ જિલ્લાની વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છ એ ગુજરાતનો વિકસિત જિલ્લો છે. તમામ ક્ષેત્રે કચ્છ ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહયું છે. કચ્છ એ ભારતનું સિંગાપુર બને તે દિશામાં પ્રગતિ કરી રહયું છે.

તાજેતરમાં જ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા નર્મદાના વહી જતાં વધારાના એક મીલીયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશને ફાળવવાની રૂ.૪૩૬૯ કરોડની યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા  ૪ લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

કચ્છ જેવા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે પણ અનેક ઉજળી તકો રહેલી છે. પ્રવાસન માટે હવે કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન મેળવી રહ્યો છે ત્યારે કચ્છના પ્રસિદ્ધ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લખપત, માતાના મઢ, જેસલ-તોરલ મંદિર, પુંઅરેશ્વર મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર અને થાન જાગીર જેવા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે અનેક પ્રોજેકટ હેઠળ કાર્યો ચાલી રહ્યા છે.

આ તકે મંત્રીશ્રીએ ૨૬મી જાન્યુઆરી ઈ.સ.૨૦૦૧માં આવેલ વિનાશક ભૂકંપમાં હતભાગી થનાર પુણ્યાત્માઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. 

કચ્છની સમૃધ્ધિના પહેલાં હક્કદાર કચ્છીમાડુઓ છે. ભારત માતાકી જય... જય જય ગરવી ગુજરાત...’’

આ તકે મંત્રીશ્રી સાથે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું.

પરેડ કમાન્ડરશ્રી અને રીઝર્વ પોલીસ ઈન્સપેકટરશ્રી એસ.એમ.ચૌહાણની આગેવાની હેઠળ વિવિધ સાત પ્લાટુનની માર્ચપાસ્ટ કરવામાં આવી હતી.

આ તકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોસ્પિટલોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ઠ કામગીરી કરનાર, સંસ્થા, વ્યકિતઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

માન.મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભુજ તાલુકાના તેમજ શહેરના વિકાસ માટે રાષ્ટ્રીય પર્વ ગ્રાન્ટનો રૂ.૨૫ લાખનો ચેક માન.મંત્રીશ્રી તેમજ કલેકટરશ્રીના હસ્તે જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો.

કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી પંકજ ઝાલાએ કર્યુ હતું.

આ તકે પોલીસ બેન્ડની સુરાવલીની દેશભકિતથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ એસ.પી.શ્રી મયુર પાટીલ, કોવીડ-૧૯ના સ્ટેટ નોડલ ઓફિસર ડો.કમલેશ ઉપાધ્યાય, ભુજ પ્રાંતશ્રી અતિરાગ ચપલોત, તાલીમી આઈ.પી.એસ. ઓફિસરશ્રી આલોક કુમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢક, સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, કાર્યપાલક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન.પ્રજાપતિ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તથા મીડીયા કર્મીઓ આ તકે ઉપસ્થિત રહયા હતા.

(9:57 am IST)