Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરીને દેશની ઉન્નતિ અને પ્રગતિમાં સહભાગી બનીએ : પોરબંદર કલેકટર ડી.એન.મોદી

પોરબંદર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી : ધ્વજવંદન બાદ કલેકટરે જિલ્લા પોલીસ વડા સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું : કોરોના વોરિયર્સનું સન્માન

પોરબંદર તા. ૨૭ : ૭૨મા  પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી. જિલ્લા કલેકટર ડી.એન.મોદીએ ધ્વજવંદન કરી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સાથે ખુલ્લી જીપમાં  પરેડનું નિરીક્ષણ કર્યું હતું .  ધ્વજવંદન કાર્યક્રમમાં પોરબંદર પોલીસ પ્લાટુન, પોરબંદર મહિલા પોલીસ,  ટી.આર.બી. જવાનો સહિત ૬ પ્લાટુનની પરેડ યોજાઇ હતી.  ગણતંત્ર દિન ઉજવણી નિમિત્તે માર્ચપાસ્ટ પણ યોજાઇ હતી.

તિરંગાને સલામી આપ્યા બાદ કલેકટરશ્રી મોદીએ કહ્યુ કે, પૂજય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત સ્વતંત્ર સેનાનીઓએ આપણને આઝાદી અપાવ્યા બાદ દેશને ચલાવવા માટે બંધારણ ખૂબ જરૂરી હોય જેથી આપણા વડવાઓએ અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ આપ્યું હતું. બંધારણે આપણને મૂળભૂત અધિકારો આપવાની સાથે સાથે મૂળભૂત ફરજો પણ આપી છે. આપણે એક સારા નાગરિક બની રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપીએ.

કલેકટરશ્રીએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઉજાગર કરી દેશની ઉન્નતિ અને પ્રગતિ માં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. પોરબંદર જિલ્લાની જનતાને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. સ્વાતંત્ર સંગ્રામના શહીદોને શ્રદ્ઘા સુમન અર્પણ કરી સેનાના જવાનોની સેવાને પણ બિરદાવી હતી.

કોરોનાને પરાસ્ત કરવા મહિનાઓથી કામ કરી રહેલા કોરોના વોરીયર્સનો આ તકે આભાર વ્યકત કરવાની સાથે સાથે કોરોના સામે લડવા જિલ્લાતંત્રને પુરતો સહયોગ આપવા બદલ જિલ્લાવાસીઓનો આભાર વ્યકત કર્યો હતો. તથા હજુ માસ્ક પહેરવુ, સામાજિક અંતર રાખવા અપીલ પણ કરી હતી.

કલેકટરશ્રીએ આ પ્રસંગે રેત શિલ્પકાર નથુભાઇ ગરચર, ભાવસિંહજી હોસ્પિટલના સી.ડી.એમ.ઓ શ્રીપરમાર, મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલના સંચાલકો તથા શિક્ષક અને ઉદઘોષક નિરવ જોષીનુ સન્માન કરી પ્રમાણપત્ર પાઠવ્યા હતા. કલેકટરશ્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, અધિક કલેકટર રાજેશ. એમ. તન્ના પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદારશ્રીઓ, જિલ્લાનાં અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ, અન્ય કર્મચારીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, વિધાર્થીઓ તથા પોરબંદર જિલ્લાવાસીઓ ફેસ માસ્ક અને આપસમાં સામાજિક અંતર રાખીને ઉપસ્થિત રહ્યા હતા.

(10:20 am IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • ફેસબુક વાપરતા ૬૦ લાખ ભારતીયોના ફોન નંબર વેચવા મુકાયા મોટો ખળભળાટ: ફેસબુકનો ઉપયોગ કરી રહેલા ૬૦ લાખ જેટલા ભારતીય લોકોના ફોન નંબર ટેલિગ્રામ ઉપર વેચવા માટે મૂકવામાં આવ્યા છે access_time 8:07 pm IST

  • દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાતા ચકચાર:ભાણવડની વારીયા બાલમંદિરની ટ્રસ્ટની જગ્યામાં કબજો કરી ખંડણી માગનાર બે મહિલા સહિતના સામે ફરિયાદ કરાઈ હતી: ભાણવડ પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી access_time 7:10 pm IST