Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કસ્ટોડિયલ ડેથ કેસમાં મુન્દ્રાના પીઆઈ અને જીઆરડી જવાનના ૩ દિવસના રિમાન્ડ મંજૂર

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપીઓની પૂછતાછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ભુજ : મુન્દ્રાના પોલીસ મથકમાં સમાઘોઘાના યુવાન અરજણ ગઢવીનું કસ્ટોડિયલ ડેથ થયું હતું , જે સંદર્ભે ચારણ સમાજ દ્વારા ભારે રોષ સાથે વિરોધ વ્યકત કરાતા પોલીસે ગઈકાલે પીઆઈ સહિત બેની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓને મંગળવારે સાંજે મુન્દ્રા કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ગુનાની ગંભીરતા અને બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બન્ને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ કેસની વિગતો મુજબ મુન્દ્રા પોલીસે સમાઘોઘાના ૩ યુવાનોની ચોરીના શકદાર તરીકે અટક કરી હતી , જેઓને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હતું , જેથી અરજણ ગઢવીની મોત નીપજ્યું હતું. આ ચર્ચાસ્પદ ઘટનામાં મુન્દ્રાના પોલીસકર્મી શક્તિસિંહ ગોહિલ , અશોક કન્નડ અને જયદેવસિંહ ઝાલા વિરૂદ્ધ હત્યાની કલમો તળે ગુનો નોંધાયો હતો. બાદમાં મુુન્દ્રા પીઆઈ સહિત ૬ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ કેસ સંદર્ભે તટસ્થતાપૂર્વક તપાસ હાથ ધરીને મુંદરા પીઆઈ જે.એ. પઢીયાર તેમજ જીઆરડી જવાન વિરલ જાેષીની ધરપકડ કરાઈ હતી , જેઓને મંગળવારે ભુજ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલ દ્વારા મુન્દ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જ્યાં બન્ને પક્ષોની દલીલો સાંભળી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપીઓની પૂછતાછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મુન્દ્રા કોર્ટના સરકારી વકિલ નિષિથભાઈ ઠક્કરે બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે
, આ કેસમાં જે ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે , તેઓ હજુ પણ ફરાર છે. જાેકે , પીઆઈની બેદરકારી સામે આવી હોવાથી તેઓની ધરપકડ કરાઈ છે.

(10:58 pm IST)