Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

કોડીનારની બંધ પડેલી સુગર મીલને ફરી શરુ કરવા ખેડૂતો મેદાને : મીટિંગોનો દૌર

ઉચ્ચ રજૂઆત અને આંદોલન સુધીની ઘડાઇ રણનીતિ

કોડીનાર : સમગ્ર ગીર સોમનાથના શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન કોડીનારની બંધ પડેલી સુગર મીલને ફરી શરૂ કરવા ખેડૂતોએ કમર કસી છે. બેઠકો યોજીને હવે આ બંધ સુગર મિલને શરૂ કરવા ઉચ્ચ રજૂઆત અને આંદોલન કરવા સુધીની રણનીતિ ઘડી કાઢી છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બંધ સુગર મિલ વર્ષ 1957માં સ્થાપિત થઇ. વર્ષ 2016માં ડચકા ખાતી સુગર મિલ બંધ થઇ. જેના કારણે કોડીનાર સુત્રપાડા તાલાળા સહિતના શેરડી પકવતા ખેડૂતોને ન છૂટકે ગોળ બનાવતા વેપારીઓને સસ્તા ભાવે શેરડી આપવા મજબૂર બનવું પડ્યુ છે. જેથી સુગર મિલને ફરી બેઠી કરવા ખેડૂતોએ બેઠક યોજીને આગામી સમયમાં ગામડે ગામડે બેઠકો કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને જરૂર જણાય તો આંદોલન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે

   જે સુગર મિલ ખેડૂતોને 3 હજાર રૂપિયા ચૂકવતી તે સુગર મિલ બંધ થતા ખેડૂતોને ગોળ બનાવતા વેપારીઓ માત્ર 1700 રૂપિયા ચૂકવે છે. આમ હવે ખેડૂતોનું શોષણ થઇ રહ્યું છે ત્યારે ખેડૂતો 48 કરોડ રૂપિયાના ખોટના ખાડામાં ઉતરી ગયેલી સુગર મિલને ફરી બેઠી કરવા મેદાનમાં આવ્યા છે. અત્યારસુધીમાં અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતા કોઇ પરિણામ નથી આવ્યું

(11:32 pm IST)