Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સાતડામાં બિરાજમાન શ્રી ભૈરવા ડાડાનું સ્થાનક આસ્થાનું પ્રતિક

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવાથી ૮ કી.મી. દુર આવેલ અને :દર રવિવારે તાવાની પ્રસાદીઃ જાગતા 'ધુણો'ના દર્શનાર્થે આવતા ભાવીકોઃ દર ત્રણ વર્ષે મોટા કાર્યક્રમોમાં આસપાસના ગામોના ભાવીકોની ઉપસ્થિતિ

કુવાડવાથી ૮ કિ.મી. દુર બિરાજમાન શ્રી ભૈરવા ડાડાની મુર્તિ પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. બીજી તસ્વીરમાં શ્રી ભૈરવા ડાડાની દેરી, નીચેની પ્રથમ તસ્વીરમાં મંદિરમાં આવેલ જાગતો ધુણો, બીજી તસ્વીરમાં શ્રી ટપકેશ્વર મહાદેવ, ત્રીજી તસ્વીરમાં શ્રી મચ્છોમાં મંદિર, નીચેની પ્રથમ તસ્વીરમાં શ્રી ભૈરવા ડાડા મંદિરે આવવા-જવા માટેનો બિસ્માર પુલ, બીજી તસ્વીરમાં મચ્છુ નદી, છેલ્લેથી બીજી તસ્વીરમાં સાતડામાં કોઇ પણ ઘરે તાળા મારવામાં આવતા નથી. તે નજરે પડે છે જયારે છેલ્લી તસ્વીરમાં અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સ્થાનીક ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા., ર૪:  રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા નજીક આવેલા શ્રી ભૈરવાદાદાના મંદિરે દરરોજ અસંખ્ય ભાવીકો દર્શન, પૂજન, અર્ચનનો લાભ લઇને ધન્યતા અનુભવી રહયા છે. ત્યારે અકિલા ફેસબુક લાઇવના માધ્યમથી અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ અકિલાના વાંચકો-ફેસબુક લાઇવનાં હજારો શ્રોતાઓને શ્રી ભૈરવા ડાડાના દર્શન કરાવ્યા હતા.

અહીંના શ્રી રતીભાઇ ભરવાડે જણાવ્યું હતું કે આ શ્રી ભૈરવા ડાડાનું મંદિર દોઢસો-બસ્સો વર્ષ જુનુ છે અને પોતાના વડવાઓ આ શ્રી ભૈરવા ડાડાના મંદિર વિશે વાતે કરતા હતા.

કુવાડવાથી ૮ કી.મી. દુર આવેલા સાતડા ગામમાં શ્રી ભૈરવા ડાડા બિરાજમાન છે. જયાં દર રવિવારે ૧પ૦ થી ર૦૦ ભાવીકો બહારગામ તથા આજુબાજુના વિસ્તારોમાંથી ભાવીકો તાવાની પ્રસાદી લેવા આવે છે અહી જાગતો ધુણો છે.

સાતડા ગામમાં કોઇના ઘરે તાળુ મારવામાં આવતું નથી. શનીદેવ-શીંગડા મંદિરની જેમ શ્રી ભૈરવા ડાડાની કૃપાથી કોઇ દિવસ ચોરી કે લુંટની ઘટના બની નથી.

આ ગામમાં કયારેય વિખવાદ થતો નથી બધા શાંતીથી રહે છે. સાતડા ગામમાં આહીર, ભરવાડ, કોળી, સાધુ, બ્રાહ્મણ પરીવારનાં લોકો સંપીને રહે છે.

રાજકોટ તાલુકામાં કુવાડવા નજીક જુના સાતડા ગામે ભૈરવા ડાડાનું પૌરાણીક મંદિર આવેલ છ. ભૈરવા ડાડાએ સાતડા ગામના ગ્રામ દેવતા છે. મચ્છુ ડેમ બનતા આ ગામનું સ્થળાંતર કરી હાલ જે સાતડા ગામ છે ત્યાં વસવાટ થયેલ છે.

આ ભૈરવા ડાડાનું મંદિર ખુબ જ પૌરાણીક મંદિર છે અને આ મંદિરની ફરતે વર્ષો જુનો કોઠો આવેલ છે. ભૈરવા ડાડા શ્રધ્ધાને લઇને સાતડા ગામે ગામમાં કોઇ ઘરમાં દરવાજો કે તાળા નથી જે આપણને મહારાષ્ટ્રમાં આવેલ શનિ શીંગળાપુરની યાદ અપાવે છે. અહી કોઇ પણ ઘરમાં દરવાજો ન હોવા છતાં પણ આ ગામમાં ચોરી થયેલ નથી એટલું જ નહી પણ ગામની આજુબાજુ આવેલ સીમ-ખેતરમાં પણ ચોરીનો એક પણ બનાવ બનેલ નથી.

આ જગ્યા ઉપર ગ્રામજનો તથા શ્રધ્ધાળુઓ ભૈરવા ડાડાને તાવાની માનતા આપે છે અને દર રવીવારે મોટી સંખ્યામાં બહાર ગામથી દર્શન કરવા તેમજ તાવાની માનતા ઉતારવા આવે છે અને નવા વર્ષ અને ધુળેટીના શુભ દિવસે આમ વર્ષમાં બે વખત ગ્રામજનો ભૈરવા ડાડાને પુડલા (માલપુઆ)નો પ્રસાદ જારવા જાય છે. અહીથી કામધંધા કે કોઇ અન્ય કારણોસર સ્થળાંતર થયેલ ગ્રામજનો અહી વર્ષમાં બે વખત પુડલા ધરવા આવતા હોય છે.

ભૈરવા ડાડાની કૃપાથી અહી કોળી, આહીર, ભરવાડ તેમજ અન્ય જ્ઞાતીની વસ્તી ભાઇ-ચારાની જેમ હળી મળીને રહે છે.

આ જગ્યામાં આખા સૌરાષ્ટ્રમાંથી લોકો દર્શન કરવો માટે આવતા હોય છે.

દર ત્રણ વર્ષે આ જગ્યાએ તરવેણો ભરાય છે. સાતડા ગામ તેમજ આજુબાજુના ૯ થી ૧૦ ગામના લોકો આ ભવ્ય પ્રસંગમાં જોડાય છે. આ દિવસે ભૈરવા ડાડાનો મહાપ્રસાદ બનાવાય છે. જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ મેળવે છે. આ દિવસે સાતડા ગામે મોટા તહેવાર જેવું વાતાવરણ થયેલું હોય છે. લોકો તે દિવસે પોતપોતાના કામકાજમાંથી રજા લઇ આ ઉત્સવમાં ભાગ લેતા હોય છે.

આમ ભૈરવા ડાડાની કૃપાથી વર્ષોથી આ પ્રણાલીકા હજુસુધી પણ ચાલુ છે. અહી ગામના લોકો તેમજ બહારથી આવતા દર્શનાર્થીઓની એૃવી લાગણી છે કે ગામથી ભૈરવા ડાડાની મંદિર સુધીનો જો રસ્તો સારો બને તો દર્શનાર્થીઓને ત્યાં જવામાં તકલીફ ન પડે. રાજકોટ જિલ્લા પંચાયતના સતાધીશો આ અંગે સત્વરે જોગવાઇ કરે તેવી લોકલાગણી જોવા મળે છે.

આ સાથે આ ગામમાં પાણી પણ પુરતા પ્રમાણમાં મળતું ન હોવાથી બહારથી આવતા દર્શનાર્થીઓ તેમજ ગામ લોકોને પાણી માટે પણ મુશ્કેલી પડે છે.

સાતડા ગામમાં સરપંચ પદે  લાખાભાઇ સદારીયા કોળી આગેવાન હાલમાં વિવિધ સુવિધા આપી રહયા છે. પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી ત્યારે ૧૯૯પમાં ડાયાભાઇ નાથાભાઇ પાઉ અને ત્યાર બાદ તેમના પુત્ર ભીખાલાલભાઇ પાઉએ સેવા આપી ગ્રામ્ય વિકાસનો પાયો નાખેલ.

પુર્વ સરપંચ ભીખાલાલ પાંઉએ સેવા આપી હતી. ગામના રોડ-રસ્તા-પાણી માટે તન-મન-ધનથી ફરજ બજાવેલ હતી. આજની તારીખે ગામ લોકોને પુરો સહકાર આપે છે. ગામમાં લોહાણા પરિવારનું એક જ ઘર છે.

શ્રી ભૈરવા ડાડાના મંદિરે માનતા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ભાવીકો ઉમટી પડે છે અને તાવાનો પ્રસાદ લે છે.

શ્રી ભૈરવા ડાડાના મંદિરનાં કારણે પશુઓમાં રોગ થતા નથીઃ નિઃસંતાન દંપતિઓને સંતાન સુખઃ મકાનોને તાળા મારતા નથી

રાજકોટ, તા., ૨૪: સાતડાના માજી સરપંચ વશરામભાઇએ કહયું હતું કે આ શ્રી ભૈરવા ડાડાના સ્થાનકના કારણે પશુઓમાં કોઇ પણ પ્રકારના રોગ થતા નથી.

અઢીસો જેટલા મકાનો ગામમાં છે પરંતુ કોઇ દિવસ આ મકાનોમાં તાળા મારવામાં આવતા નથી.

નિઃસંતાન દંપતિઓ શ્રી ભૈરવા ડાડાના મંદિરે સંતાન પ્રાપ્તી માટે માનતા રાખે છે. ભરવાડ સમાજમાં ૩ બાળકોનો જન્મ શ્રી ભૈરવા ડાડાની કૃપાથી થયો છે.

ચોમાસામાં નદીનુ પાણી મંદિરમાં ભરાઇ જતુ હોવાથી દર્શન કર્યા વગર પરત ફરવુ પડે છે

રાજકોટ જિલ્લા પંચાયતના સતાધીશો ગ્રામ્ય પ્રજાની આ વેદનાને ધ્યાને લ્યે તેવી લાગણી

રાજકોટ તા. ર૪ :.. ચોમાસામાં નદીનુ પાણી ભરાઇ જતુ હોવાથી ભાવિકોને દર્શન કર્યા વગર પરત ફરવુ પડે છે. અને સામાન્ય  વરસાદ પડે ત્યાં વિજળી ગુલ થઇ જાય છે. પીવાનું પાણી પુરતુ મળતુ નથી. સસોઇ યોજના છે પરંતુ સાતડા ગામના લોકોને તેનો લાભ મળતો નથી. જીલ્લા પંચાયતના સતાધીશો આ અંગે સત્વરે ઘટતું કરે તેવી લોક લાગણી છે.

એક કિ. મી. નો રસ્તો ખૂબ જ ખરાબ છે. જે રીપેર કરવા સાતડા ગામના ગ્રામજનો દ્વારા  માગણી કરવામાં આવી છે.

'અકિલા' પરિવારના ધવલભાઇ કારિયાએ જણાવ્યુ હતું કે, ગયા ચોમાસામાં ભારે વરસાદના કારણે નદીનું પાણી મોટા પ્રમાણમાં મંદિરમાં ઘુસી ગયુ હતું.

દર અષાઢી બીજે લાપસીની પ્રસાદીઃ મચ્છોમાના આર્શિવાદથી ખેડૂતોને ફાયદો

રાજકોટ તા. ર૪:.. દર અષાઢી બીજે શ્રી ભૈરવા ડાડા અને અને શ્રી મચ્છોમાના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે.

અહી રપ૦ વર્ષ જુની શંકર ભગવાન અને હનુમાનજીની દેરી આવી છે. શ્રી ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે.

શ્રી ભૈરવા ડાડાના મંદિરથી થોડે દુર શ્રી મચ્છોમાનું મંદિર આવેલુ છે જે ખૂબ જ પૌરાણીક છે. જયારે  મંદિરની બાજુમાં મચ્છુ નદી પસાર થઇ રહી છે.

મોરબી જળ હોનારત સમયે શ્રી મચ્છોમાના મંદિર ઉપર પણ પાણી આવી ગયુ હતું.  મચ્છુ નદીમાં સતત વહેતા પાણીના પ્રવાહના કારણે આજુબાજુના ખેડુતો પાકનું ઉત્પાદન લઇ રહ્યા છે.

(12:00 pm IST)