Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પોરબંદરમાં હરિમંદિરનો પાટોત્સવ : રાજયપાલ તથા મુખ્યમંત્રી આવશે

પૂ. ભાઇશ્રીના સાનિધ્યમાં બુધવારથી પાંચ દિવસીય પાટોત્સવ : ભાગવત ચિંતન અન્નકુટ દર્શન : આતિથ્ય ભવનનું લોકાર્પણ અને સાન્દિપની ગૌરવ એવોર્ડ એનાયત કરાશે

જુનાગઢ, તા. ર૭ : પોરબંદરમાં રાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા સ્થાપિત શ્રી હરિમંદિર ખાતે આગામી તા. ર૯ જાન્યુ. ને બુધવારથી ર ફેબ્રુ. રવિવાર સુધી શ્રી હરિમંદિરના ૧૪મો પાટોત્સવની પૂ. ભાઇશ્રીજીન નિશ્રામાં ઉજવણી થનાર છે.

પાટોત્સવમાં તા. ર૯ થી ૩૧ સુધી દરરોજ સવારે ૯-૩૦થી ૧ર-૩૦ અને બપોરે ૩-૩૦ થી ૬-૩૦ પૂ. શ્રી વસંતશાસ્ત્રી ચતુર્વેદીના વકતાપદે મથુરા અને સાન્દિપનિીના ઋષિકુમારો દ્વારા ભાગવત ચિંતનયાત્રા અને તા. ૩૦ ને ગુરૂવારના રોજ સવારે ૮-૩૦ થી ૯-૩૦ ગોર્વધન પૂજા ૯-૩૦થી ૧ વાગ્યા સુધી અન્નકુટ દર્શન તેમજ સવારે ૧૦થી ૧ર કલાકે આતિથ્ય ભવનનું ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. અને તા. ૧ ફેબ્રુઆરી શનિવારના રોજ પૂ. મહામંડલેશ્વર કાર્ષ્ણિ સ્વામી ગુરૂ શરણાનંદજી મહારાજના સાનિધ્યમાં સવારે ૭-૩૦ થી ૧ર-૩૦ અભિષેક પૂજન અર્ચન કરવામાં આવશે. તેમજ રાત્રે ૮થી ૧ર સાન્દિપનિ પરિસરમાં શ્રી હરિ પાલખીયાત્રા યોજાશે.

તા. ર ફેબ્રુઆરીને રવિવારના રોજ પ્રતિવર્ષ મુજબ આ વર્ષ પણ વિવિધ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહાપુરૂષોનું ભાવપૂજન કરી સાન્દિપનિ એવોર્ડ રાજયના મુ.મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે અર્પણ કરાશે.

જેમાં દેવર્ષિ એવોર્ડ વાત્સલ્ય મૂર્તિ પ.પૂ. દીદીમાં સાધ્વી ઋતુંભરાજી વૃદાવનને અને બ્રહ્મર્ષિ પ્રોફેસર શ્રી વેમ્પરી કુટુમ્બશાસ્ત્રીજી દિલ્હીને તેમજ રાજર્ષિ એવોર્ડશ્રી રીઝવાન આડતીયા, મોઝામ્બિક આફ્રિકા અને મહર્ષિ એવોર્ડ સુશ્રી સિન્ધુભાઇ સયકાલ પુણે મહારાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.  પાટોત્સવ દરમ્યાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં સાન્દિપનિ વિદ્યાનિ કેતનના ઋષિકુમારો તેમજ ગુરૂકુલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના છાત્રો વિવિધ કૃતિઓનું કરશે તેમજ દરરોજ સવારે ૮થી ૧ર અને સાંજે ૪ થી ૮ શ્રી ગોડીય કિર્તન મંડળ વૃંદાવન દ્વારા શ્રી હરિનામ સંકીર્તન કરશે આ પાટોત્સવ દરમ્યાન વિવિધ રોગોના દર્દીઓ માટે નિશુલ્ક મેડીકલ કેમ્પોનું પણ આયોજન કરાયું છે જેની વધુ માહિતી માટે ડો. સુરેશ ગાંધી, ડો. ભરત ગઢવી મો. ૯૭૧રર રર૦૦૦ ઉપર સંપર્ક સાધવા જરૂરીયાતમંદ લોકોને અપીલ કરાઇ છે. આ પાંચ દિવસીય ધર્મોત્સવમાં દેશ-વિદેશથી ભાવિકો લાભ લેવા આવનાર હોય જેના ધ્યાને લઇ પૂ.ભાઇશ્રીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી થઇ રહી છે. આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને આ અવસરનો લાભ લેવા જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્યું છે.

(11:59 am IST)