Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌરમેં લિખેંગે મિલકર નયી કહાની...

રૂપાણી-સંઘાણી વચ્‍ચેનું અંતર ઓગળ્‍યુ, આગમના એંધાણ આપતા સમીકરણો

પ્રદેશ પ્રમુખ અથવા મહામંત્રી પદ માટે દિલીપ સંઘાણીનું નામ ચર્ચામાં

રાજકોટ, તા. ૨૭ :. રાજકારણમાં કોઈ કાયમ માટે સાથે કે સામે હોતા નથી તે વાત વર્ષોથી સૌ જાણે છે પરંતુ અત્‍યારનું રાજકારણ વિશેષ પ્રવાહી સ્‍વરૂપનુ છે. એક જ પક્ષમાં હોવા છતાં વર્ષોથી આંતરીક રીતે એકબીજાની સામેના જુથના ગણાતા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી એકબીજાની નજીક સરક્‍યા છે. નજીકના ભૂતકાળના મતભેદો ભુલી એકતાના નવા અધ્‍યાય તરફ તેમના કદમ જણાય છે. રાજ્‍યની વર્તમાન રાજકીય પરિસ્‍થિતિમાં આ સમીકરણ ધ્‍યાન ખેંચે તેવુ છે. વિજયભાઈને હંફાવવા માટે એક થયેલી મનાતી ‘વાદ' આધારીત ધરી સામે રૂપાણી જુથ તરફથી ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સંઘાણીને આકર્ષવામાં આવ્‍યા હોય તેવી ચર્ચા શરૂ થઈ છે. પ્રદેશ પ્રમુખ પદ માટે અત્‍યારે ચર્ચાતા નામો અનુકુળ ન આવે તો નવા ચહેરા તરીકે જૂના જોગી દિલીપ સંઘાણીની પસંદગી થાય તેવી શકયતા ડોકાવા લાગી છે.

સંઘાણી અને રૂપાણી બન્ને પક્ષની એકતા અને શિસ્‍તની વાતો કરતા આવ્‍યા છે. રૂડા-રૂપાળા દાવા વચ્‍ચે બન્નેના રાજકીય સંબંધો કેવા હતા ? તે સૌ જાણે છે. થોડા વર્ષો પહેલા રાજકોટમાં એક પ્રસંગમાં સંઘાણીને આમંત્રણ આપ્‍યા પછી સ્‍ટેજ પર જતા અટકાવવામાં આવતા તેમણે પ્રેક્ષકગણમાં સ્‍થાન લઈ સૌનુ ધ્‍યાન ખેંચ્‍યુ હતું. આ વિવાદના પ્રત્‍યાઘાતરૂપે અમરેલીમાં તે વખતે રૂપાણીના પૂતળાઓનું દહન કરવામાં આવેલ. તે વખતે રૂપાણી પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્‍ટ્રના ઈન્‍ચાર્જ હતા. પૂતળા દહનમાં પોતાનો કોઈ હાથ ન હોવાનું અને અન્‍ય કારણસરનું રીએકશન હોવાનું જે તે વખતે સંઘાણીએ સ્‍પષ્‍ટ કરવા પ્રયત્‍ન કર્યો હતો.

ભાજપના વર્તુળો એવુ જણાવે છે કે અઢી વર્ષ પહેલા ગુજકોમાસોલ ચેરમેન તરીકે દિલીપ સંઘાણીને રૂપાણી ઈચ્‍છતા ન હતા. થોડા દિવસ પહેલા ફરી સંઘાણીની એ જ સ્‍થાને વરણી થઈ તેમા રૂપાણીનો રાજીપો છે. ૨૦૧૬માં વિજયભાઈ મુખ્‍યમંત્રી બનતા તેમના અનુગામી પ્રદેશ પ્રમુખ તરીકે સંઘાણી અને જીતુ વાઘાણીનું નામ આખરી યાદીમાં રહેલ. તે વખતે પણ રૂપાણી સંઘાણીને પ્રમુખ બનાવવા રાજી ન હતા. કોઈપણ કારણસર હવે સંજોગો બદલાયા છે. બે ત્રણ મહિના પહેલા સંઘાણીએ અમરેલીમાં મુખ્‍યમંત્રીની હાજરીમાં સહકાર સંમેલન યોજેલ. તે સંમેલનમાં અને ત્‍યાર બાદ રૂપાણી મુકતકંઠે સંઘાણીના વખાણ કરી રહ્યા છે. બન્‍ને વચ્‍ચે અવારનવાર રૂબરૂ અને ફોનથી સંવાદ થઈ રહ્યો છે. પ્રદેશ કક્ષાની સંગઠનની અમુક બેઠકોમાં સંઘાણીને આર્યજનક રીતે આમંત્રણ મળી રહ્યા છે. અમરેલીમાં રૂપાણી જુથના આગેવાનોએ સંઘાણી જુથ સાથેના વ્‍યવહારમાં સુધારાત્‍મક બદલાવ આવ્‍યો છે. જિલ્લા ભાજપનું ડોહળાયેલુ વાતાવરણ ચોખ્‍ખુ થઈ રહ્યુ છે.

હવે પછી ટૂંક સમયમાં ભાજપના નવા પ્રદેશ માળખાની રચના થનાર છે. જો સૌરાષ્‍ટ્રના પાટીદારને પ્રદેશ પ્રમુખ પદ આપવાનુ હોય તો તેમા આ વખતે મુખ્‍યમંત્રીની પસંદગી યાદીમાં સંઘાણીનું નામ મોખરે રહે તેવા નિર્દેશ ભાજપના વર્તુળો કરી રહ્યા છે. તેઓ સંગઠનના અનુભવી છે અને હાલના સંજોગોમાં યોગ્‍ય નેતૃત્‍વ પુરૂ પાડી શકે તેમ છે. રૂપાણીનો રાજકીય વર્તમાન ઉજ્જવળ છે અને સંઘાણીનું રાજકીય ભાવિ ઉજ્જવળ દેખાય છે. સંઘાણી-રૂપાણી વચ્‍ચેનું અંતર ઓગળ્‍યુ છે. આ એકતા દિલની છે કે દિમાગની ? તે તો સમય જ બતાવશે પરંતુ અત્‍યારે નવા સમીકરણો ધ્‍યાનાકાર્ષક બન્‍યા છે.

એક નઝર ઈધર ભી...

સાહિત્‍ય વર્તુળના ગ્રુપમાં આજે જ મુકાયેલ એક વોટસએપ મેસેજની ઝલક

આકર્ષણ વગર આત્‍મીયતા ન જન્‍મે,

વાત્‍સલ્‍ય વગર વિશ્વાસ ન જન્‍મે,

અને સ્‍નેહ વગર શ્રધ્‍ધા ન જન્‍મે !

 

(11:16 am IST)