Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સરદાર વલ્લભભાઇનાં સ્ટેચ્યુ ઉપરથી બોધ લઇને સાચુ કહેવાની-કરાવવાની હિંમત રાખવી પડશેઃ ભીખાભાઇ બાંભણીયા

ખોડલધામ-કાગવડ ખાતે સમાજના ઉત્કર્ષ માટે ચિંતન શિબીર આવકાર્ય

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ર૬: જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, નરેશભાઇ પટેલની આગેવાનીમાં ખોડલધામ (કાગવડ) મુકામે પટેલ સમાજના તમામ પક્ષના આગેવાનો, અધિકારીઓ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ કે અગ્રણીઓ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે ચિંતન શીબીર રાખવામાં આવી તે બદલ તેઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. સમાજમાં ચાલતી વ્યસનોની બદી તથા કુરિવાજોને દૂર કરવા માટેની ચર્ચા વિચારણા કરવા શિબીર મળતી રહે તે બાબતે આવકાર દાયક છે અમુક લોકો આ બાબતને રાજકીય શીબીર ગણતા હોય તે તર્કવિતર્ક કરતા હોય તો ભલે કરે પણ તેથી ડરવાની કોઇ જરૂરત નથી.

કડવા તથા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો ખાલી ભાષણો કે વાતો કરવાથી નહિં પણ વાસ્તવીક રીતે સમજદારી પૂર્વક નજીક આવે એવો પ્રયાસ થાય એ પણ જરૂરી છે. કોઇપણ સમાજમાં જન્મેલાં માણસને તેના સમાજ પ્રત્યે ગૌરવ અને અભિમાન હોય એ સ્વભાવિક છે અને જરૂરી પણ છે કોઇપણ સમાજના લોકો તેઓના સમાજના ઉત્કર્ષ માટે એકઠા થાય  છે સંગઠ્ઠન કરે એને જ્ઞાતિવાદ કરે છે એવું ગણવામાં આવે છે એ નરી મુર્ખતા છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, પટેલ સમાજના રાજકીય આગેવાનો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓને અપીલ કરૃં છું કે સમાજના પ્રશ્નો, ધાર્મિક પ્રસંગો કે રાજકીય પ્રશ્નો અંગે પક્ષા પક્ષીથી પર એકઠા થઇ ચર્ચા વિચારણા કરવામાં કોઇની બીક કે રાજકીય કિન્નાખોરીથી ડરવાની જરૂરત નથી. પટેલ સમાજના કોઇપણ આગેવાનોને કોઇ પક્ષના કે વ્યકિતના બારોટ જેમ વખાણ કરવાની શા માટે જરૂરત પડે છે એ સમજાતું નથી.

લોકશાહીમાં રાજકારણમાં રસ નથી એવા સમજદાર લોકોની બેદરકારીને લીધે આજના રાજકારણીઓ બેફામ બન્યા છે અને પરિણામે ખરીદ વેચાણના સોદા થાય છે કોઇ નીતિમતા જેવું નામ નથી. આવા સંજોગોમાં દરેક સમાજમાંથી સારા માણસો રાજકારણમાં જાય એ જરૂરી છે રાજકારણ પ્રત્યે આભડછેટ રાખવાની જરૂર નથી. રાજકારણ કે રાજકારણીઓને સુધારવા માટે દરેક સમાજના લોકોએ જાગ્રત થવું પડશે.સરદાર પટેલના સ્ટેચ્યુ પરથી બોધ લઇને સાચુ કહેવાની અને કરાવવાની હિંમત રાખવી પડશે. સંગઠ્ઠન અને એકતાની તાકાતથી સમાજમાં પ્રગતી લાવવામાં તથા રાજકીય પરિવર્તન કરવામાં કોઇ રોકી શકતું નથી. એ નરી વાસ્તવિકતા છે. દરેક સમાજની મંગળમય અને કલ્યાણકારક પ્રગતી થાય તેમજ સુખાકારી વધે એ લોકશાહી સરકારનું ધ્યેય હોવું જોઇએ તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

(2:34 pm IST)