Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જૂનાગઢ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

લાભાર્થીઓને સાધન સામગ્રીનું વિતરણ

જૂનાગઢ તા.૨૬ : કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયા, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજય સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ ખેડૂતોને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ચોવટીયા, જિલ્લા સહકારી બેન્કના ચેરમેન ડોલર કોટેચા, ડીડીઓ પ્રવિણ ચૌધરી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ પ્રાકૃતિક ખેત પેદાશો કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લીધી હતી.

ખેડૂતોને સંબોધન કરતા પૂર્વ મંત્રી ઝડફીયાએ રાજય સરકારશ્રીની ખેડૂત લક્ષી યોજના વિશે માહિતી આપી કૃષિ કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ખેડૂતોને ગુમરાહ કરતા લોકોથી સાવચેત રહેવા જણાવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત રાજય સરકારશ્રીની ખેડૂત કલ્યાણ સહિત વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને છત્રી, જીવામૃત બનાવવા નિદર્શન કીટ, વિકલાંગ સાધન સહાય સહિતની વિવિધ યોજના અંતર્ગત સાધન સામગ્રી સાથે સહાય આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી દિપક રાઠોડે સ્વાગત પ્રવચન આપ્યું હતું. આભારવીધી આત્મા પ્રોજેકટ ડાયરેકટર એમ.એમ.કાસુન્દ્રા અને કાર્યક્રમનું સંચાલન મદદનીશ બાગાયત નિયામક અરૂણ કરમુરે અને યાર્ડના સેક્રટરી પી.એસ. ગજેરાએ કર્યું હતું.

(12:39 pm IST)