Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

શુક્રતાલની કથામાં ગીતા જયંતિ નિમિતે પૂ.મોરારિબાપુએ જોડિયાને યાદ કર્યુ

આ વખતે કોરોનાનાં કારણે સાદાઇથી ગીતા જયંતીની ઉજવણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગર જિલ્લાના જોડીયાધામ ખાતે રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ ગીતા વિદ્યાલયમાં ગીતા જયંતિનો ઉત્સવ ગઈકાલે ઉજવાયો ગીતાના સામુહિક જ્ઞાન સાથે ગીતા વિદ્યાલયના બાળકોએ પાઠ કર્યો તેમજ ગીતા જયંતિ ઉત્સવમાં છેલ્લા આશરે ૪ર વર્ષોથી પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિ અવશ્ય હોય છે પરંતુ કોરોના બીમારીના કારણે આ વખતે પૂ. બાપુએ પબ્લીક ભેગી ન થાય તે માટે આ ઉત્સવમાં હાજરી નહીં આપે તેવું પરસ્પર વાર્તાલાપ કરી નકકી કરેલ હાલ પૂ.બાપુની કથા સુક્રતાલ તીર્થ ખાતે ચાલી રહી છે ગઈકાલે બાપુએ શુક્રતાલની વ્યાસપીઠ ઉપરથી જોડીયાને યાદ કરી કહયું કે, હું વર્ષોથી દર વખતે ગીતા જયંતિ નિમિત્તે જોડીયા ખાતે હાજરી આપું છું અને કથાકાર મિલનનો ત્રિવેણી સંગમ પણ હર વખતે ત્રણ દિવસ તેમજ પાંચ દિવસનો ઉજવાય રહયો છે બ્રહમલીન વિરાગમુનિજી ઘણા વર્ષો પહેલા ચાલ્યા ગયા ત્યાર બાદ કોરોના બીમારીકાળમાં પૂજય યોગશભાઈ શાસ્ત્રી પણ ચાલ્યા ગયા તેઓનું ગીતા વિદ્યાલય જોડીયા ખાતે દરેક પ્રકારનું યોગદાન હતું.

માર્ગદર્શક અને વિદ્યવાન પૂ. લાભશંકર પુરોહિત (લાભુદાદા) હાલ હાજર છે અને બધી જાતનું યોગદાન આપી રહયા છે હાલમાં બન્ને વિનુ એટલે કે વિનુભાઈ ચંદારાણા અને વિનુભાઈ કાનાણી બધી વ્યવસ્થા સંભાળી રહયાં છે અને હું વ્યાસપીઠ ઉપરથી જે ગીતાના સ્વાઘ્યાય બાળકો કરે છે તેઓને અને કિર્તી, હકો અને પંકજ જે મારા સંગીતમાં ગીતા વિદ્યાલય જોડીયાની દેન છે વિનુભાઈ ચંદારાણા શરૂઆતોની કથામાં હારમોનિયમ વગાડતા હતા તેની જગ્યાએ આજ હકો (રમેશભાઈ ચંદારાણા) વગાડી રહયો છે તેમજ વધુમાં તેઓએ વ્યાસપીઠ ઉપરથી કહયું કે ગીતા જયંતિ વખતે કથાકાર ત્રિવેણીના સર્વે ભાઈ–બેહનો ગીતા જયંતિ ઉપર જોડીયામાં મળતા હતા તેઓને આજે હું યાદ કરૃં છું તેમજ ગીતા વિદ્યાલયના નામીઅનામી બધા જ વ્યકિતઓ અને ગીતાના પાઠ કરતા બાળકોને અત્યારે હું ગંગા તટ શુક્રતાલથી હું તમારી સાથે છું અને હું જોડીયામાં જ છું તેવું માની તમો ત્યાં ગીતા જયંતિનો ઉત્સવ ઉજવી રહયાં છો તેની હું પ્રસન્નતા વ્યકિત કરૃં છું.

ગઈકાલે જોડીયા ધામ ખાતે સાદાઈથી પૂ.મોરારીબાપુની અનઉપસ્થિતિમાં પરંતુ સુક્ષ્મરૂપે પૂ.બાપુની ઉપસ્થિતિમાં ગીતા જયંતિ મહોત્સવ ઉજવાયો.

(12:38 pm IST)