Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મોરબીમાં હડકાયા કુતરાનો વધતો આતંક સિવિલમાં કુતરા કરડવાના રોજના ર૦ થી રપ કેસ : પાલિકા તંત્ર બેધ્યાન

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રપ : મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં હડકાયા કૂતરા કરડવાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

નગરપાલિકાના વિસ્તારમાં જાહેર રસ્તા પર, સેવા સદનમાં, માર્કેટમાં તથા આજુ બાજુની સોસાયટી, ગ્રામ્ય વિસ્તાર જેવી અનેક જગ્યાએ આવા હડકાયા કુતરા ઓ એ સામ્રાજય ફેલાવ્યું છે.જેના થકી માણસો તથા નાના બાળકો અને ઢોરમાં ભયનો માહોલ ફેલાયો છે.પ્રાપ્ત થતી વિગતો અનુસાર હડકાયા કૂતરા કરડવાના દરરોજના ૨૦ થી ૨૫ કેસ મોરબીની સિવિલ હોસ્પિટલમાં નોંધાય છે.

સામાકાંઠા, વાવડી રોડ, રવાપર રોડ, દરબારગઢ એરીયા, શનાળા રોડ તેમજ આજુબાજુની સોસાયટીના વિસ્તારમાં પણ હડકાયા કુતરા ઓનો ત્રાસ એટલો જ વધી ગયો છે. મોરબી નગરપાલિકા દ્વારા હડકાયા કુતરા પકડવા માટે એક ગાડીની ફાળવણી કરવામાં આવી છે પણ આ ગાડી શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે.

નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હડકાયા કુતરા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે જેથી કરીને નાના બાળકો વૃદ્ઘ તેમજ અબોલ પશુઓના જીવ બચાવી શકાય. આ સમસ્યાના તાત્કાલિક નિવારણ અંગે મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઈ વી.દવે, જગદીશભાઈ જી.બાંભણીયા, જીગ્નેશભાઈ એચ. પંડ્યા તથા મુસાભાઇ બ્લોચ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

એ.ટી.એમ. બે માસથી બંધ

તાજેતરમાં કોવિડની મહામારી વચ્ચે કોઈ ઈમરજન્સી આવી પડે અને આવી ઈમરજન્સીમાં જયારે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે દરેક લોકો એટીએમ નો સહારો લેતા હોય છે પણ જો એટીએમ બંધ હાલતમાં પડ્યા હોય તો બેન્કમાં રાખેલી પોતાની મૂડી પણ ઉપયોગમાં લઈ શકાતી નથી. તો એસબીઆઇ બેન્ક સિવાય અન્ય બેંકના એટીએમ પણ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી બંધ છે ત્યારે મોરબીની જનતા આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. તો આ અંગે તાત્કાલિક એટીએમ ચાલુ કરાવવામાં આવે જેથી કરીને માણસોને જે હાલાકી પડી રહી છે તેનો અંત આવી શકે અને રૂપિયા તથા સમયની પણ બચત થઈ શકે. બંધ પડેલા એટીએમ ને ચાલુ કરાવવા બાબતે મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ જી. બાંભણિયા તથા જીગ્નેશભાઈ એચ. પંડ્યા દ્વારા મોરબી કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

મોરબીથી વાંકાનેર સુધી હાઈવેને ડબલ ડેકકર બનાવવા રજુઆત 

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીથી વાંકાનેર સુધી ઉદ્યોગોના વિકાસને પગલે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં જોવા મળે છે જેથી પ્રતિ દિન ટ્રાફિકના પ્રશ્નો જોવા મળતા હોય છે જે ટ્રાફિકને પગલે લોકોનો કીમતી સમય ઉપરાંત વાહનોમાં પણ ઇંધણનો દુર્વ્યય થાય છે વેપારધંધામાં સમયસર ડીલીવરી ના થવાથી પણ નુકશાન થાય છે ઉપરાંત અકસ્માતો પણ સર્જાય છે જેને ધ્યાને લઈને મોરબીથી વાંકાનેર સુધીનો નેશનલ હાઈવે ડબલ ડેકકર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:29 am IST)