Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ન્‍યૂયોર્કથી ઉપડેલુ જહાજ વાયા કરાંચી થઇને કચ્છના મુંદ્રા પોર્ટ ઉપર પહોંચ્યુઃ એક કન્ટેનરમાંથી અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળતા ખળભળાટ

કચ્છ : કચ્છના અદાણી પોર્ટ પર ગઈકાલથી સનસનાટી મચી ગઈ છે. મુન્દ્રા પોર્ટ પર આવેલ એક કન્ટેનરને કારણે તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. કારણ કે, આ કન્ટેનર અમેરિકાથી આવ્યું છે, પણ તેમાં મળેલી વસ્તુ એવી ડેન્જરસ છે કે, અધિકારીઓ પણ હચમચી ઉઠ્યા છે. ન્યૂયોર્કથી ઉપડેલુ જહાજ વાયા કરાંચી થઈને મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું, જેમાં અનલોડ થયેલા એક કન્ટેનરમાંથી અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળી આવ્યા છે. આ કન્ટનેર ક્યાંથી આવ્યા, કેમ આવ્યા તે અંગે કસ્ટમ વિભાગ કંઈ જ કહેવા તૈયાર નથી. ત્યારે ખુદ કસ્ટમ વિભાગ દ્વારા પણ આ કન્ટેનર એક કોયડો બન્યું છે.

કન્ટનેરમાં જે લોન્ચિંગ ગિયર મળી આવ્યા છે, તેનું વજન 10 ટન કરતા પણ વધુ છે. મહત્વની બાબત એ છે કે, જે એરક્રાફ્ટના જે લોન્ચિંગ ગિયર મળી આવ્યા છે તેનું ઉત્પાદન વિશ્વમાં માત્ર બે જ કંપનીઓ કરે છે. જેમાં એક અમેરિકાને બોઈંગ અને બીજી યુરોપની એરબસ કંપની છે. આ ગિયર સાઉદી અરેબિયા મોકલવાના હતા, ત્યારે અહીં કેવી રીતે રહી ગયા, કે પછી કોઈ જાસૂસી કામગીરી માટે અહીં લોડ થયા તે જાણવા માટે સુરક્ષા કંપનીઓ કામે લાગી છે.

અહી કેવી રીતે પહોંચ્યા

8 નવેમ્બરના રોજ અમેરિકાના ન્યૂયોક્રના એક બંદરથી ત્યાંની સ્થાનિક કંપની ડીએચએલ ગ્લોબલ ફોરવર્ડિંગ નામની પેઢીએ જર્મનીના હેમ્બર્ગ સ્થિત હેપેજ લિયોડ નામની શિપિંગ કંપનીના ક્યોટ એક્સપ્રેસ નામના જહાજમાં લોન્ચિંગ પેડ મોકલ્યા હતા. ત્યારે આ લોન્ચિંગ પેડ સાઉદી અરેબિયામાં લોડ કરવાના હતા. પરંતુ બે કન્ટેનર ત્યાં લોડ થયા જ નહિ, અને જહાજ પર રહી ગયા. બંને કન્ટેનર લઈને જહાજ રવાના થયું હતું. આ જહાજ પાકિસ્તાનના કરાંચી બંદરથી થઈને મુન્દ્રા પહોંચ્યું હતું. જહાજ મુન્દ્રા પહોંચ્યું ત્યારે સર્વેયરને જાણ થઈ કે બે કન્ટેનર અહી આવ્યા છે, અને તેમાં સામાન છે.

કન્ટેનરનો સામાન ચકાસતા જ અધિકારીઓ સ્તબ્ધ થયા હતા. કુલ 10790.90 કિલો વજનના આ ઉપકરણ હતા. ત્યારે હાલ તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. મુન્દ્રા પોર્ટ પર એરક્રાફ્ટની સામગ્રી મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

(5:24 pm IST)