Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કોટડાસાંગાણીના વાદીપરા ગામે પૈસા માંગવા પ્રશ્ને જગદીશ ચૌહાણ પર જીવલેણ હુમલો

સગા મામા તથા તેના પુત્રએ વાળંદ યુવાનના માથામાં તલવાર ઝીંકી દીધીઃ વલ્લભ મોરી અને પુત્ર મોહિત સામે ગુન્હો

રાજકોટ તા. ૨૬ : કોટડાસાંગાણીના વાદીપરા ગામે રહેતા વાળંદ યુવાન ઉપર તેના સગા મામા અને પુત્રએ પૈસા માંગવા પ્રશ્ને ઝઘડો કરી તલવાર વડે માથામાં ફટકારી હત્યાની કોશિષ કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વાદીપરા ગામમાં રહેતા જગદીશભાઇ કેશુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેની માતા પાસે બાજુમાં રહેતા મામ વલ્લભ રામજીભાઇ મોરીએ વાપરવા માટે પૈસા માંગતા ભાણેજ જગદીશે પૈસા આપવાની માતાને ના પાડતા વલ્લભે ઉશ્કેરાઇને ઝઘડો કરી તેના પુત્ર મોહિત વલ્લભ મોરીને બોલાવતા મોહિત તલવાર લઇને આવી ડખ્ખો કરી જગદીશભાઇના માથામાં ફટકારી દીધી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને વલ્લભ તથા તેનો પુત્ર મોહિત ભાગી ગયા હતા. બાદ જગદીશભાઇને તાકીદે સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવની જાણ થતાં કોટડાસાંગાણી પોલીસે સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત જગદીશભાઇ ચૌહાણની ફરિયાદ પરથી વલ્લભ મોરી તેનો પુત્ર મોહિત મોરી સામે હત્યાની કોશિષની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી પીએસઆઇ વી.કે.ગોલવેલકર તથા રાઇટર ક્રિપાલસિંહ સહિતે તપાસ આદરી છે.

(12:51 pm IST)