Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી જુનાગઢના પટેલ પ્રૌઢનો આપઘાત

મૃતકના પત્નીની ૮ શખ્સો સામે પોલીસ ફરીયાદ

જુનાગઢ તા. ર૬ : વ્યાજખોરોના અસહય ત્રાસથી કંટાળી જઇને જુનાગઢના પટેલ પ્રૌઢે આપઘાત કર્યો હોવાથી ૮ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા રમેશભાઇ નારણ દોકીવાડીયા નામના પટેલ પ્રૌઢે ગત સપ્તાહમાં ઝાંઝરડા ચોકડી આસપાસ ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.

જેમાં મૃતકના પત્ની ભાનુબેને ૮ વ્યાજખોરો સામે તાલુકા પોલીસમાં ફરીયાદ કરી છે.

જુનાગઢના વિજય ખોડા નામના શખ્સે મરનાર રમેશ દેકીવાડીયાને ઉંચા વ્યાજે નાણા આપ્યા હતા. પરંતુ નાણા પરત નહી થતા રમેશભાઇનો માણાવદર ખાતેનો રૂ. ૧ર લાખની કિંમતનો ૪૩૦ વાર જમીનનો પ્લોટ બળજબરીથી વિજય ખોડાએ પડાવી લઇ તેનો દસ્તાવજ અર્જુન ડાડો નામના શખ્સના નામે કરાવી લીધો હતો.

તેમજ મૃતકની ઝેન કાર પણ લઇ જઇ તેવુ લખાણ કરાવી લીધું હતું અન્ય લેણદારોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી ધાક ધમકી આપતા હોય આખરે રમેશભાઇએ વ્યાજખોરોના અસહય ત્રાસથી કંટાળી જઇને ઝેરી દવા ગટગટવાી લઇ આત્મ હત્યા કરી લીધી હતી.

આ અંગે ભાનુબેન રમેશે વિજય ખોડા, અર્જુન ડાડો, હિમાંશુ, સામત (જુનાગઢ) તથા સમેગાના કાળાભાઇ મગન, નરેશ મહેશ આહિ અને મનસુખ ટીલવા (માણવદર) સહિત આઠ શખ્સો સામે ફરીયાદ કરતા તાલુકા પી.એસ.આઇ. વી.આર. ભુતિયાએ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)