Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મિત્રો સાથે બાઇક ઉપર સફેદરણ ફરવા આવેલા જામનગરના યુવાન સોફટવેર એન્જીનિયરનું બાઇક સ્લીપ થતાં મોત

અમદાવાદથી બાઇક ઉપર સફેદરણ ફરવા આવેલા સાત બાઇકસવારો પૈકી સમીત કમલેશ પંડયાની બાઇક સ્લીપ થઇ અને સ્થળ ઉપર જ અરેરાટીભર્યું મોત

ભુજ તા. ૨૬ : અજાણ્યા પ્રવાસન સ્થળોએ વાહન દ્વારા ફરવા જતા પ્રવાસીઓએ રસ્તાની જાણકારીના અભાવે સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઇએ નહિ તો ઘણીવાર અણધાર્યા અકસ્માતનો ભોગ બનવું પડે છે.

અમદાવાદથી પોતાના સાત સોફટવેર એન્જીનિયર મિત્રો સાથે આવેલા મુળ જામનગરના યુવાન સોફટવેર એન્જીનિયરની બાઇક સ્લીપ થતાં તેનું ભીરેડીયારાથી સફેદરણ ધોરડો તરફ જતાં માર્ગ ઉપર જ અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું.

ખાવડા પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદની ઇન્ફોચીપ્સ કંપનીના સાત સોફટવેર એન્જીનિયરો પોતપોતાની બાઇક ઉપર સફેદ રણની મોજ માણવા કચ્છ આવ્યા હતા.

દરમિયાન મૂળ જામનગરનાં સમીત કમલેશ પંડયા (ઉ.૨૫)ની બાઇક ભીરેડીયારાથી સફેદરણ ધોરડોના માર્ગ ઉપર સ્લીપ થઇ જતાં તેની સાથળ ચીરાઇ ગઇ હતી. ત્યાં ઘટના સ્થળે જ ઘણું બધું લોહી વહી જતાં સમીતનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે ખાવડા, દિનારાના ગ્રામજનો, તબીબી સ્ટાફ, પોલીસ મદદરૂપ બન્યા હતા.

(11:45 am IST)