Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

લગ્ન પ્રસંગમાં બાઈક ધીમી ચલાવવા મુદ્દે બે જૂથ સામ સામે

નખત્રાણાના કોટડા ગામે તંગદીલી : નજીવી બાબતે મુસ્લિમ શખ્સે પાટીદાર યુવાન પર કુહાડીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં ગામમાં ભારે તંગદીલી

નખત્રાણા, તા.૨૬ : નખત્રાણા તાલુકાના કોટડા ગામે રાત્રે લગ્ન પ્રસંગમાં બાઇક ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે મુસ્લિમ શખ્સે પાટીદાર યુવાન પર કુહાડીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં ગામમાં ભારે તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયું હતું. લોકોના ટોળાઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. સ્થળ પર ધસી ગયેલા પોલીસ કાફલાએ ભુજ-લખપત ધોરીમાર્ગને બ્લોક કરી દેતા કોટડા જડોદરથી મથલ સુધીનો હાઇવે ટ્રાફિકથી જામ થઇ ગયો હતો. ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ત્રણ કેબીન, એક ટ્રક અને આરોપીના મકાનના દરવાજાને આગ લગાડી પથ્થર મારો કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા મોડી રાત સુધી મથામણ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કોટડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વાહનોનો ટ્રાફિક વધુ હતો ત્યારે એક મુસ્લિમ યુવાન બાઇક સ્પીડમાં ચલાવતો હોવાથી ગામના ભરત કાંતિલાલ નાયાણી નામના યુવાને તેને બાઇક ધીમી ચલાવવાનું કહેતા મામલો બીચક્યો હતો. જેમાં બાઇક ચાલક યુવકે ભરતભાઇ પર કુહાડીથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડતા તેમનેે પ્રથમ સારવાર નખત્રાણા ખાતેની દેવાશીષ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો. હુમલાના બનાવથી કોટડા ગામના લોકો ભારે ઉશ્કેરાયા હતા. આખું ગામ મુખ્ય માર્ગ પર એકઠું થઇ ગયું હતું.

અરસપરસ ઝપાઝપી અને અફડાતફડી મચી ગઇ હતી. રોષીત લોકોએ ત્રણ કેબીન, એક ટ્રક તેમજ આરોપી શખ્સના મકાનના દરવાજાને આગ લગાડી પથ્થર મારો ચાલુ કરી દીધો હતો. ભારે તંગદીલી ભર્યા વાતાવરણથી પોલીસે તકેદારી પુરતો ભુજ-લખપત હાઇવે બન્ને સાઇડથી બંધ કરી દેતા વાહનોની કોટડાથી મથલ સુધીની લાઇન લાગી ગઇ હતી. પરિસ્થિતિને થાળે પાડવા પોલીસ અધિકારી કર્મચારીનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ અંગે નખત્રાણા વિભાગના ડીવાએસપી યાદવનો સંપર્ક કરતાં તેમણે ઘટનાસ્થળેથી જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા સાથે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.

હુમલાને પગલે બે જુથ વચ્ચે સર્જાયેલી તંગદિલી અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં વધુ કોઇ અનિચ્છનીય બનાવ ઉભો ન થાય તે માટે મોટી રાત્રે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંહ સ્થળ પર ધસી ગયા હતા.

(8:40 pm IST)